• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
નવસારી પાસે ભયાનક અકસ્માત : નવનાં મૃત્યુ
|

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 31: 2022નાં વર્ષના છેલ્લા દિવસે નવસારી પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. નવસારી જિલ્લાનાં પરથાણ ગામ નજીક મળસ્કે ફોર્ચ્યુનર કાર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા ગોઝારો અકસ્માતમાં નવ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં. મૃતકો પૈકીના મોટાભાગના સૌરાષ્ટ્રના વતની હતા. મુંબઈથી સુરત તરફ આવી રહેલા કારના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઇડર કૂદી અમદાવાદથી વલસાડ તરફ જઈ રહેલી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જ્યારે 29 જેટલા અન્ય મુસાફરોને પણ નાની મોટી ઇજા થઈ હતી. આ બનાવ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારજનોને રૂ. બે-બે લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.

આ દુર્ઘટના સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવતા પોતાની દિલસોજી વ્યકત કરી હતી. દુર્ઘટનામાં મૃત્યુને ભેટેલા યુવકોના પરિવારજનોને રૂ. બે લાખ અને પ્રત્યેક ઘાયલોને રૂપિયા 50 હજારની સહાયની પણ તેઓએ ટ્વિટરનાં માધ્યમથી જાહેરાત કરી હતી. કેન્દ્રીય અને રેલમંત્રી દર્શના જરદોષે પણ અકસ્માતને પગલે વ્યથિત થયાં હતાં. મૃત્યુ પામેલા લોકોની આત્મશાંતિ માટે પ્રાર્થના કરી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી હતી.