નવી દિલ્હી, તા. 4 : દિલ્હીમાં જી20 સંમેલનનો દોર ચાલી રહ્યો છે. જેમાં ચીની વિદેશ પ્રધાન અને ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરની પણ મુલાકાત થઈ હતી. જયશંકર પહેલા પણ ચીન સાથેના સંબંધોને અસમાન્ય ગણાવી ચુક્યા છે. આ દરમિયાન ભારતીય સેનાએ લદ્દાખમાં એલએસી ઉપર પોતાની ગતિવિધિ વધારી દીધી છે.
લદ્દાખમાં ગલવાન ઘાટીમાં એલએસીએ તૈનાત ભારતીય સેનાની ટુકડીએ ગતિવિધિમાં વધારો કરીને એલએસીના આસપાસના વિસ્તારમાં ઘોડા અને ખચ્ચર મારફતે સર્વેક્ષણ કર્યું છે. આ ઉપરાંત પેંગોંગ લેક ઉપર પણ હાફ મેરેથોન જેવું આયોજન કરવામાં આવ્યું હતું.આ પહેલા ભારતીય આર્મી તરફથી તસવીરો જારી કરવામાં આવી હતી. જેમાં ભારતની સેના પુર્વ લદ્દાખમાં ક્રિકેટ રમતી જોવા મળી હતી. પુર્વી લદ્દાખ ભારત અને ચીન વચ્ચે મે 2020થી ટકરાવનું કેન્દ્ર છે. આ ટકરાવના કારણે બન્ને દેશોમાં મિલિટ્રી ટેન્શન પણ ઉભું થયું હતું. જો કે ભારતીય સેના તરફથી એરિયાના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કહેવાય છે કે જે સ્થળે જવાનો ક્રિકેટ રમી રહ્યા હતા તે જગ્યા પેટ્રોલ પોઈન્ટથી ચાર કિમી જ દુર છે. પેટ્રોલ પોઈન્ટ 14 ઉપર જુન 2020મા ચીની સેનાએ ભારતીય જવાનો ઉપર વિશ્વાસઘાતથી હુમલો કર્યો હતો. જેમાં 20 જવાન શહીદ થયા હતા. જ્યારે ચીને પોતાના સૈનિકો અંગે કોઈ આંકડા જારી કર્યા નહોતા.