મુંબઈ, તા. 25 : દહિસરથી મીરા રોડ મેટ્રો રૂટ-9 પર ત્રણ માળનું મેડેતિયાનગર સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનનું 63.63 ટકા કામ પૂરું થઈ ગયું છે. અહીં વાહનો પાર્ક કરવાની પણ સુવિધા હશે. આ રૂટ ત્રણ મેટ્રો માર્ગ સાથે જોડવામાં આવશે.
એમએમઆરડીએ દ્વારા સંપૂર્ણ મુંબઈ મહાનગરમાં મેટ્રોનું નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. એમાંથી ત્રણ મેટ્રો રૂટ કાર્યરત થઈ ગયા છે, જ્યારે આઠ રૂટનું કામ પ્રગતિમાં છે. આ મેટ્રો રૂટનું નિર્માણ કરતી વખતે વિવિધ પ્રકારની માળખાકીય સુવિધાઓ પણ બાંધવામાં આવી રહી છે. એમાં મેટ્રો-9ના રૂટ પર `િટ્રપલ ડેકર' અર્થાત ત્રણ માળનું સ્ટેશન હશે. આ સ્ટેશન દહિસરથી લગભગ છ કિ.મી. અંતરે મીરા રોડ સ્ટેશનની પૂર્વમાં હશે. એમએમઆરડીએ આ સ્ટેશનનું નિર્માણ શરૂ ર્ક્યું છે. સૌથી ઉપર ત્રીજા માળે મેટ્રો લાઈનનું પ્લૅટફૉર્મ હશે. બીજા માળે ટિકિટ વિન્ડો, સ્ટેશન પ્રવેશ, વ્યવસાયિક દુકાનો અને ખુલ્લી જગ્યા હશે. એ પછી પહેલા માળે વાહનો માટે ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે. એ પછી નીચે જમીન પર સામાન્ય રસ્તો હશે. આમ મેડેતિયાનગર સ્ટેશને ત્રણ માળનું સ્ટેશન અને મેટ્રો માર્ગ હશે. આ સ્ટેશનનું પ્લૅટફૉર્મ જમીનથી 35 મીટરની ઊંચાઈએ હશે.
મેટ્રો-9 રૂટ દહિસરને મીરા રોડ-ભાઈંદર સાથે જોડે છે. કુલ 10.58 મીટર લાંબા આ રૂટ પર આઠ સ્ટેશન હશે. દહિસર (પૂર્વ)થી મીરા રોડ (પશ્ચિમ)માં સુભાષચંદ્ર બોઝ સ્ટેશન સુધીનો આ રૂટ હશે. આ રૂટ ત્રણ મેટ્રો રૂટ સાથે જોડાયેલો હશે. દહિસર (પૂર્વ)માં મેટ્રો-ટુએ અને મેટ્રો-7 તો મેટ્રો-10 સાથે મીરાગાંવ સ્ટેશને જોડાશે. મેટ્રો-10 ગાયમુખ (ઘોડબંદર રોડ)થી છત્રપતિ શિવાજી ચોક (મીરાગાંવ) સુધી છે.