• બુધવાર, 22 માર્ચ, 2023
મધ્ય રેલવેના ટીસીઓને મળશે ક્યુઆર કૉડ
|

દંડ ભરવા માટે `િડજિટલ' પર્યાય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : ટિકિટ વગર પ્રવાસ કરનારાં અથવા પાસ રિન્યુ કરવાનું ભૂલી જનારા પ્રવાસીઓને દંડની રકમ ભરવા માટે હવે અધિકૃત રીતે ડિજિટલ પર્યાય ઉપલબ્ધ થવાનો છે. મધ્ય રેલવેએ સ્ટેશનો પર કાર્યરત ટિકિટ ચેકર્સને ક્યુઆર કોડ આપવાનો નિર્ણય લીધો છે. આથી રોકડ રકમને અભાવે દંડ ભરવામાં આવતા અવરોધો અને તેને લીધે પ્રવાસી અને ટીસીઓ વચ્ચે તથા વિવાદ ટાળવાનું શક્ય થશે.

પાનની ટપરીથી માંડીને પ્લૅટફૉર્મ પરના બૂટ પોલિશવાળા સહિત બધા હવે પોતાના વ્યવસાય માટે ડિજિટલ પેમેન્ટ એટલે કે યુપીઆઈના માધ્યમથી આર્થિક વ્યવહાર કરે છે. પરંતુ રેલવે પ્રશાસને દંડની રકમ વસૂલ કરવા માટે ટિકિટ ચેકર્સને રોકડ રકમ લેવાની સૂચના આપી હતી. ઘણીવાર રોકડ રકમ નહીં હોવાથી પ્રવાસીઓ અને ટીસી વચ્ચે વિવાદ થતો હતો. એના ઉપાય તરીકે ટીસી ખુદાબક્ષ મુસાફરોને પ્લૅટફૉર્મ પરના ખાદ્યપદાર્થના સ્ટોલધારકોના ક્યુઆર કોડ પર ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા હતા. નાણાં જમા થયાની ખાતરી થયા બાદ દંડની રકમ ટીસી સ્ટોલધારકો પાસેથી લેતા હતા. આ પ્રક્રિયામાં પ્રવાસીઓનો ઘણો સમય વેડફાતો હતો.

મધ્ય રેલવે અને સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાએ કરાર કરીને એક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ રેલવે એકાઉન્ટનો ક્યુઆર કોડ ટીસીને આપવામાં આવશે. દંડની રકમ એકાઉન્ટમાં જમા થયાનો મેસેજ ટીસીએ નોંધાવેલા નંબર પર પ્રાપ્ત થશે. એને લીધે પ્રવાસી અને ટીસી બંનેના સમયની બચત થશે. એપ્રિલના અંત સુધીમાં આ ક્યુઆર કોડ આપવાનો પ્રયત્ન છે. મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં 1200 ટીસી છે. એમાંથી સ્ટેશનો પર કાર્યરત ટીસીને ક્યુઆર કોડ આપવામાં આવશે, એવું વરિષ્ઠ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.

હેડલાઇન્સ