• બુધવાર, 22 માર્ચ, 2023
મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ રમેશ બૈસએ મરાઠીમાં શપથ લીધા
|

સિદ્ધિવિનાયક અને મહાલક્ષ્મીના કર્યા દર્શન 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના અનુગામી તરીકે રમેશ બૈસએ આજે મરાઠીમાં શપથ ગ્રહણ કર્યા હતા. મુંબઈ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજય ગંગાપુરવાલાએ બૈસને રાજ્યપાલપદના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, પર્યટનપ્રધાન મંગલપ્રભાત લોઢા અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર ઉપસ્થિત રહ્યા હતા.

રમેશ બૈસએ રાજ્યપાલ તરીકે શપથ લીધા પછી પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં અને પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કર્યા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા તે પૂર્વે તેઓ ઝારખંડના રાજ્યપાલ હતા. તે પહેલાં તેઓ ત્રિપુરાના રાજ્યપાલ હતા.

બીજી અૉગસ્ટ, 1947ના દિવસે જન્મેલા રમેશ બૈસએ ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 1978માં પ્રથમવાર રાયપુર પાલિકામાં ચૂંટાયા હતા. બાદમાં વર્ષ 1980માં મધ્યપ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા. બાદમાં 1989માં રાયપુરમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. ત્યાર પછી મધ્યપ્રદેશમાં છત્તીસગઢ રાજ્ય અલગ પડયું હતું. રાયપુરમાંથી સાત વખત લોકસભામાં ચૂંટાયા હતા. રાજકીય કારકિર્દીમાં તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી. 

વાજપેયી સરકારમાં તેઓ રાજ્યકક્ષાના પ્રધાનપદે હતા. તેઓ લાલકૃષ્ણ અડવાણીની નિકટના નેતા હતા. તેથી જ વર્ષ 2019માં તેમની લોકસભાની ટિકિટ કાપવામાં આવી હતી એમ કહેવાય છે. સુષમા સ્વરાજ સાથે પણ રમેશ બૈસ ખૂબ જ સારા સંબંધ ધરાવતા હતા. તેઓ બૈસને પોતાના ભાઈ માનતા હતા. 

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પછી બૈસને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

હેડલાઇન્સ