ડ્રગ્સ કન્ટ્રોલરે અૉનલાઈન ફાર્મસીસને કારણ દર્શાવો નોટિસ પાઠવી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ અૉનલાઈન ફાર્મસીસના સ્થાનિક એકમો ખાતે પ્રિક્રિપ્શન્સના રૅકોર્ડ્સ અને સ્ટૉકનાં સ્થળોની તપાસ કરવાની ઝુંબેશ ગુરુવારે શરૂ કરી હતી.
ડ્રગ્સ ઍન્ડ કંપનીઝ ઍક્ટની જોગવાઈઓના ઈરાદાપૂર્વકના ઉલ્લંઘન માટે ઈ-ફાર્મસીસને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ અૉર્ગેનાઈઝેશને (સીડીએસસીઓ) કારણ દર્શાવો નોટિસો પાઠવ્યા બાદ બે દિવસ બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. અૉલ ઈન્ડિયા અૉર્ગેનાઈઝેશન અૉફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગ્સ સિસ્ટમ અૉનલાઈન ફાર્મસીસની ઘણી વ્યાપારી પદ્ધતિનો વિરોધ કરતું આવ્યું છે અને તેમને ગેરકાયદે જણાવતું રહ્યું છે. ઈ-ફાર્મસી સજા કહેવાતી ગેરરીતિઓ સામે અૉર્ગેનાઈઝેશને 15 ફેબ્રુઆરીથી એક મહિના સુધી રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાની યોજના પણ ઘડી કાઢી છે.
આ સપ્તાહથી શરૂઆતમાં કૅમિસ્ટ્સની સંખ્યા સેન્ટ્રલ એફડીએને તેમ જ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સત્તાવાળાઓને મળી હતી અને પોતાની ચિંતાઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકની પાશ્ચાદ્ ભૂમિકામાં આ કારણ દર્શાવો નોટિસો પાઠવવામાં આવી હતી.
આઠ ફેબ્રુઆરીની તારીખની અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ અૉફ ઈન્ડિયા ડૉ. વી.જી. સોમાનીના હસ્તાક્ષરવાળી આ નોટિસોમાં ખાસ કરીને સેડયુલ્ડ એચ, એચવન અને એક્સ હેઠળ આવતી દવાઓના વેચાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દવાઓ સામાન્ય રીતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનરના કાયદેસરના પ્રિક્રિપ્શન હેઠળ છૂટક વેપારીને વેચવાની છૂટ હોય છે અને આવી દવાઓ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની દેખરેખ હેઠળ પૂરી પાડવામાં આવતી હોય છે.