• બુધવાર, 22 માર્ચ, 2023
દિગ્ગજ પાર્શ્વગાયિકા વાણી જયરામની વિદાય  
|

ત્રણ નેશનલ એવૉર્ડ ઉપરાંત પદ્મભૂષણથી સન્માનિત ગાયિકા ચેન્નઈના ઘરમાં મૃત મળી આવ્યાં

નવી દિલ્હી, તા. 4 : ભારતીય સંગીત જગતમાંથી એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે, તાજેતરમાં  જ ભારતનાં ત્રીજાં સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત થયેલાં દક્ષિણ ભારતનાં દિગ્ગજ ગાયિકા વાણી જયરામનું શનિવારે 70 વર્ષની વયે નિધન થઇ ગયું હતું.

ચેન્નાઇ સ્થિત પોતાનાં જ ઘરમાં મૃત મળી આવેલાં વાણીની ભારતીય સિનેજગત, સંગીત જગતમાં ઊંડા શોક સાથે આઘાતની લાગણી ફેલાઇ છે. તાજેતરમાં પાર્શ્વગાયિકા તરીકે કારકિર્દીની અર્ધસદી એટલે કે, 50 વર્ષ પૂરાં કરનારાં દંતકથારૂપ ગાયિકાએ હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, બંગાળી, તુલુ સહિત 19 ભારતીય ભાષાઓમાં 10 હજારથી વધુ ગીતો ગાયાં છે. દુનિયાભરમાં સંગીતના મોટી સંખ્યામાં સફળ કાર્યક્રમોમાં જબ્બર જનચાહના મેળવનારાં વાણી જયરામ સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયિકા તરીકે ત્રણવાર નેશનલ એવોર્ડ મેળવી ચૂક્યાં છે.

ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ ઉપરાંત ગુજરાત સહિત રાજ્યો તરફથી ઉત્કૃષ્ટ ગાયન બદલ વાણીને રાજ્ય સરકારોએ સન્માનિત કર્યાં હતાં. વાણી આર.ડી. બર્મન, ઓ.પી. નૈયર, મદનમોહન, કે.વી. મહાદેવન જેવા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કરી ચૂક્યાં છે.

હેડલાઇન્સ