વડા પ્રધાન અને ભારતને બદનામ કરવાનું ષડયંત્ર `ધ મોદી ક્વેશ્ચન'
પૂર્વ જજો, લશ્કરી અધિકારીઓ, રાજદ્વારીઓ સહિત 300થી વધુ બ્યૂરોક્રેટ્સ દ્વારા પત્ર લખી વિરોધ નોંધાવાયો
નવી દિલ્હી, તા. 21 : કેન્દ્ર સરકારે વડા પ્રધાન મોદીને લઈને બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રી `ધ મોદી ક્વેશ્ચન'ને શેર કરનારા ટ્વિટસ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. ડોક્યુમેન્ટ્રીની તપાસમાં જાણવા મળ્યું છે કે તે છબી બગાડવાની કોશિશ છે. ડોક્યુમેન્ટ્રીની યુટયુબ લિંક્સ જે ટ્વિટ મારફતે શેર કરવામાં આવી છે તેને પણ બ્લોક કરવામાં આવ્યા છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી આ નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. દેશના ત્રણસોથી વધુ પૂર્વ જજો, લશ્કરી અધિકારીઓ અને રાજદ્વારીઓએ પણ પત્ર લખીને બીબીસીની આ ડૉક્યુમેન્ટરીને વડા પ્રધાન મોદી અને ભારતને બદનામ કરવાના બદઈરાદાવાળી ગણાવી વિરોધ નોંધાવ્યો છે.
આ મામલે મંત્રાલયે કહ્યું છે કે બીબીસીએ ડોક્યુમેન્ટ્રીને ભારતમાં ઉપલબ્ધ કરાવી નથી. અમુક યુટયુબ ચેનલ દ્વારા તેને અપલોડ કરવામાં આવી છે. એવું લાગે છે કે ભારત વિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે તેને અપલોડ કરવામાં આવી છે. કહેવાય છે કે યુટયુબે પણ વીડિયોને ફરીથી પોતાના પ્લેટફોર્મ ઉપર અપલોડ કરવા ઉપર તેને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. આવી જ રીતે ટ્વિટર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો. આ નિર્દેશ આઈટી નિયમ 2021 હેઠળ આપવામાં આવ્યો છે. યુટયુબ અને ટ્વિટર બન્ને દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ડોક્યુમેન્ટ્રી બીબીસી દ્વારા બનાવવામાં આવી છે. જેને ભારતીય વિદેશ મત્રાલયે નિષ્પક્ષતાનો અભાવ ધરાવતા એક પ્રોપેગેન્ડાનો હિસ્સો ગણાવી હતી. ભારત સરકારે ગુજરાત રમખાણ ઉપર બનેલી ડોક્યુમેન્ટ્રીને દેશ સામેનો પ્રોપેગેન્ડા ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે બીબીસીની ડોક્યુમેન્ટ્રી નિષ્પક્ષ નથી. એક ખાસ પ્રકારના દુષ્પ્રચાર માટેની કોશિશ છે. આ ઉપરાંત બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે પણ ડોક્યુમેન્ટ્રીનો વિરોધ કર્યો હતો.