• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
કૉંગ્રેસ દ્વારા `હાથ સે હાથ જોડો' અભિયાનનો લોગો અને મોદી સરકાર સામેનું `તહોમતનામું' જાહેર  
|

આનંદ કે. વ્યાસ તરફથી 

નવી દિલ્હી, તા. 21 : રાહુલ ગાંધીની `ભારત જોડો યાત્રા' 30 જાન્યુઆરીના કાશ્મીરના શ્રીનગરમાં સંપન્ન થશે, એ પહેલા કૉંગ્રેસે આજે દિલ્હીમાં 26 જાન્યુઆરીથી શરૂ થનારા પાર્ટીના રાજકીય અભિયાન `હાથ સે હાથ જોડો'નો લોગો તેમ જ આ અભિયાન અંતર્ગત ઘરે-ઘરે વિતરિત થનારું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ ગણાવતું `તહોમતનામું' અને એની સાથે પાર્ટીના નેતા રાહુલ ગાંધીનો એક પત્ર પણ જાહેર કર્યો હતો.

પત્રકાર પરિષદમાં લોગો જાહેર કરતા કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બિનરાજકીય વૈચારિક ચળવળ છે, જ્યારે પાર્ટીનું `હાથ સે હાથ જોડો' રાજકીય હેતુ સાથેનું ચૂંટણીલક્ષી અભિયાન છે, જેમાં પાર્ટીના નેતાઓ-કાર્યકરો ઘરે-ઘરે જઇને લોકોને મોદી સરકારની નિષ્ફળતાઓ સમજાવશે અને પ્રત્યેક ભારતીય પાસે રાહુલ ગાંધીની `ભારત જોડો યાત્રા'નો સંદેશો પત્રરૂપે લઇ જશે. 

26 જાન્યુઆરીના કૉંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા ત્રણ તબક્કાનું `હાથ સે હાથ જોડો' અભિયાન શરૂ કરાવશે. આ અભિયાન પહેલા તબક્કામાં ગ્રામ્ય અને બ્લૉક સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા સ્તરે અને ત્રીજા તબક્કામાં રાજ્ય સ્તરે આગળ વધારાશે. 

પાર્ટીના મહામંત્રી કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 130 દિવસની રાહુલ ગાંધીએ પગપાળા કરેલી ઐતિહાસિક `ભારત જોડો યાત્રા' દરમિયાન નાગરિકો તરફથી પાર્ટીને દેશની પરિસ્થિતિ વિશે અનેક હકીકતો જોવા-જાણવા મળી છે. યાત્રામાં વિવિધ સ્થળે અમુક અંતર સુધી જોડાયેલા દેશના લાખો નાગરિકોએ રાહુલ ગાંધી સાથે મોદી સરકારના શાસનકાળમાં અનુભવેલી પીડા અને બદહાલી વર્ણવી છે. પાર્ટી આજે દિલ્હીમાં મોદી સરકારના ગેરશાસનનું `તહોમતનામું' જાહેર કરે છે અને જરૂર પડયે પાર્ટીના પ્રદેશ પ્રમુખો પોતાના રાજ્યોમાં `હાથ સે હાથ જોડો' અભિયાન દરમિયાન મોદી સરકારના કુશાસનથી પ્રજાને જે યાતનાઓ ભોગવવી પડી છે, એનું `તહોમતનામું' પણ જાહેર કરશે.

કૉંગ્રેસ દ્વારા આ `તહોમતનામા'માં ભાજપને `ભારતીય જુમલા પાર્ટી' કહી છે અને તેમાં વડા પ્રધાન મોદીના સૂત્ર `સબ કા સાથ સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ'ને `કુછ કા સાથ, અપના વિકાસ, સબ કે સાથ વિશ્વાસઘાત' તરીકે રજૂ કર્યું છે. પાર્ટીના `હાથ સે હાથ જોડો' અભિયાન વિશે વેણુગોપાલે કહ્યું હતું કે 26 જાન્યુઆરીથી 26 માર્ચ સુધીનું ત્રણ મહિનાનું આ અભિયાન ત્રણ તબક્કામાં દેશભરમાં ઘરે-ઘરે જઇને `ભારત જોડો યાત્રા'નો સંદેશો લોકો સુધી પહોંચાડાશે. `ભારત જોડો યાત્રા' દરમિયાન બેરોજગારી, મોંઘવારી અને દેશમાં નફરતના રાજકારણ જેવા મુદાઓ સામે જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે.

કૉંગ્રેસે મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું. પરંતુ એમની સત્તાના નવ વર્ષમાં કેટલી નોકરીઓ અપાઇ એની લોકોમાં ચર્ચા છે. દેશમાં બેરોજગારીનો દર છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ છે. દેશમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઇ છે. ઇંધણના ભાવ આસમાને છે. ખેડૂતોએ રાહુલ ગાંધીને ફરિયાદ કરી છે કે ઇંધણના ભાવ એટલી હદે વધ્યા છે કે ગરીબ-તવંગર કોઇને પરવડે એમ નથી.