• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
મોદીની મુંબઈ મુલાકાત દરમિયાન મોટા હુમલાનું કાવતરું?
|

બનાવટી એનએસજી જવાન સહિત બે શકમંદ પકડાયા, શત્રો જપ્ત 

મુંબઈ, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત દરમિયાન કોઈ મોટું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.  મોદીની સભાના સ્થળેથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક પાસે ઘાતક હથિયારો મળી આવ્યા છે. મોદીની સભા બે દિવસ પહેલા બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસીના) એમએમઆરડીએના મેદાનમાં યોજાઈ હતી. મુંબઈ પોલીસે અહીંથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓનાં નામ કટરામ ચંદ્રગાઈ કાવડ અને રામેશ્વર મિશ્રા છે. 

કટરામની ઉંમર 39 વર્ષ છે અને તે ભવંડી વિસ્તારનો રહેવાસી છે. તે હૉટલ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મોદીની સભા સ્થળ પર પેટ્રાલિંગ દરમિયાન પોલીસકર્મીઓએ તેના પર શંકા થઇ હતી અને તેમને પકડી પાડવામાં આવ્યો હતો. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે.  

તેની પાસેથી રિવોલ્વર અને ચાર રાઉન્ડ ગોળીઓ મળી આવી હતી. તેની પાસે રિવોલ્વરનું લાઇસન્સ હોવાની પણ માહિતી મળી છે. મુંબઈ પોલીસના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ બીકેસી પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કટરામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. 

વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે એનએસજી જવાન તરીકે અંદર આવ્યો હતો. રામેશ્વર મિશ્રા નામનો આ વ્યક્તિ મોદીના સભા સ્થળ પર પહોંચવાના લગભગ 90 મિનિટ પહેલા નવી મુંબઈથી અહીં પહોંચી ગયો હતો. તે એનએસજીમાં જવાનના શ્વાંગમાં સભા સ્થળે ઘૂસ્યો હતો. તે વીવીઆઇપી વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને તેના પર શંકા જતાં તેને અટકાવીને પૂછપરછ કરાઇ હતી.  

એન્ટ્રી લેવાનો પ્રયાસ કરતા પહેલા તે આસપાસના વિસ્તારમાં ફરી રહ્યો હતો. તેથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેના પર ચાંપતી નજર રાખી હતી. અડધો કલાક સુધી તેના પર નજર રાખ્યા બાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તેને પકડીને પૂછપરછ શરૂ કરી હતી. તેની પાસેથી 13મી જાન્યુઆરીએ ઇશ્યૂ કરેલું એલિટ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)નું આઇડી કાર્ડ મળી આવ્યું હતું, જેમાં તેનો રેન્જર તરીકે તહેનાત કરાયો હોવાનો ઉલ્લેખ હતો. આઇડીના રિબન પર દિલ્હી પોલીસ સુરક્ષા (પીએમ) લખાયું હતું. 

પોલીસ પૂછપરછમાં આરોપીએ દાવો કર્યો હતો કે તે એનએસજીના પઠાણકોટ હબમાં નિયુક્ત છે, પરંતુ પોલીસ તપાસમાં તેનું આઇડી કાર્ડ બનાવટી હોવાનું જણાયું હતું. સંબંધિત કલમો હેઠળ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 24મી જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.