• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
મોદી મુલાકાતના કાર્યક્રમનો ખર્ચ ભાજપ પાસેથી વસૂલ કરો : ઠાકરે જૂથ  
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બીકેસીમાં યોજાયેલા જનહિતના વિવિધ પ્રકલ્પોના ભૂમિપૂજન અને લોકાર્પણના સમારંભમાં  રાજશિષ્ટાચારના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થયું હતું. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને વ્યાસપીઠ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું. આ સરકારી સમારંભનો ઉપયોગ પક્ષના પ્રચાર માટે કરવામાં આવ્યો હોવાથી આખાય કાર્યક્રમનો ખર્ચ ભાજપ પાસેથી વસૂલ કરવામાં આવવો જોઈએ એવી માગણી શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ અરવિંદ સાવંતે કરી છે.

મુંબઈ પાલિકા, એમએમઆરડીએ અને મેટ્રોરેલના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ વડા પ્રધાનના હસ્તે થયું હતું. આ સરકારી કાર્યક્રમની આમંત્રણપત્રિકામાં મુંબઈના ભાજપના ત્રણ અને શિંદે જૂથના બે સાંસદોના નામ હતા, પરંતુ શિવસેના (ઠાકરે)ના સાંસદ અરવિંદ સાવંતનું નામ નહોતું તે અંગે સાવંતે વાંધો ઉઠાવ્યો હતો. બાદમાં સાવંતને આમંત્રણપત્રિકા આપવામાં આવી હોવા છતાં તેમણે તેનો સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો હતો. રાજશિષ્ટાચારના નિયમો અનુસાર યોજના અથવા પ્રકલ્પ ક્ષેત્રના સ્થાનિક સાંસદ અને વિધાનસભ્યનું નામ આમંત્રણપત્રિકામાં છાપવામાં આવે છે અને તેઓને આમંત્રણ પણ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં શિવસેના (ઠાકરે)ના સાંસદો અરવિંદ સાવંત, સંજય રાઉત, અનિલ દેસાઈ અને મહાવિકાસ આઘાડીના વિધાનસભ્યોને બાકાત રાખવામાં આવ્યા હતા. `આઘાડી'ના વિધાનગૃહોના સભ્યોના નામો આમંત્રણપત્રિકામાં નહોતા અને તેઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું નહોતું. અરવિંદ સાવંતે જણાવ્યું હતું કે આ સમારંભમાં પોતાની અવગણના અને રાજશિષ્ટાચારના ઉલ્લંઘન બદલ લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના ઉપસભાપતિ સમક્ષ ફરિયાદ કરાશે.