• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
ખેલ પ્રધાનની મધ્યસ્થી : પહેલવાનોના ધરણા સમેટાયાં  
|

નવી દિલ્હી, તા. 21 : દેશની રાજધાની દિલ્હીના જંતરમંતર પર ભારતીય પદક વિજેતા પહેલવાનોના ધરણા આજે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા વિવાદમાં રહેલા ભારતીય કુશ્તી મહાસંઘ (ડબલ્યુએફઆઈ)ના પ્રમુખ બ્રજભૂષણ શરણ સિંહને મામલાની તપાસ સુધી પદથી હટાવવાની ઘોષણા સાથે જ સમાપ્ત થયાં હતાં. બીજીતરફ ભારતીય કુશ્તી મહાસંઘે ખેલમંત્રાલયને મોકલેલા જવાબમાં આરોપોમાં કોઈ સત્ય ન હોવાનું કહી પહેલવાનોના ધરણા કોઈ મોટું ષડયંત્ર હોવાનું કહ્યું હતું. દરમ્યાન, તપાસ જારી હોય ત્યાં સુધી પદ પર દૂર રહેવાના આદેશ છતાં બ્રજભૂષણ આજે નેશનલ ઓપન સીનિયર રેંન્કિંગ રેસલિંગ સ્પર્ધામાં નજરે પડયા હતા. 

કુશ્તી મહાસંઘના પ્રમુખ અને ભાજપ નેતા બ્રજભૂષણ શરણસિંહ સામે જાતીય ઉત્પીડનના ગંભીર આરોપો સાથે મોરચો માંડનારા પહેલવાનોના ધરણાના ત્રીજા દિવસે ખેલમંત્રી અનુરાગ ઠાકુરે કુશ્તી મહાસંઘ સામેના તમામ આરોપોની તપાસ માટે એક નિરીક્ષણ સમિતિની રચનાની જાહેરાત સાથે ચાર સપ્તાહમાં ન્યાયની ધરપત આપી હતી. 

ઠાકુરે પોતાના નિવાસે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કુશ્તીસંઘના પ્રમુખ તપાસ પૂરી થવા સુધી અલગ હટી જશે અને તપાસમાં સહયોગ આપશે. ઠાકુર સાથે બજરંગ પુનિયા સહિતના પહેલવાનો હાજર રહ્યા હતા. ઠાકુરની જાહેરાત બાદ પહેલવાનોએ જંતરમંતર પરના પોતાના ધરણા સમેટવાની જાહેરાત કરી હતી. બીજીતરફ ડબલ્યુએફ આઈએ ખેલમંત્રાલયને પોતાને જવાબ મૂક્યો હતો તેમાં આરોપોને મોટું ષડયંત્ર ગણાવ્યું હતું. આ મામલામાં પહેલી જ વખત ડબલ્યુએફઆઈએ પોતાનો પક્ષ ખૂલીને રાખ્યો છે. મહાસંઘે અધ્યક્ષ બ્રજભૂષણ સામેના અયોગ્ય વ્યવહાર અને જાતીય ઉત્પીડનના આરોપોને અસત્ય ગણાવ્યા હતા, મોરચો માંડી બેઠેલા પહેલવાનો સામે સવાલો ઉઠાવ્યા હતા.