• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
પાલિકાનું બજેટ `બાબુઓ'જ રજૂ કરીને પસાર કરશે
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 21 : દેશની સૌથી શ્રીમંત મહાપાલિકા બૃહદમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)નું બજેટ એક પખવાડિયું દૂર છે અને આ વર્ષે બીએમસીના સત્તાવાળાઓ (બાબુઓ, અધિકારીઓ) વર્ષ 2023-24નું બજેટ પોતે જ રજૂ કરશે અને પોતે જ પસાર કરશે.

એક મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું કે જો ગૃહનું અસ્તિત્વ ન હોય તો મ્યુનિસિપલ ઍક્ટની જોગવાઈઓનું પાલન કરવું પડે છે અને દર વર્ષે બજેટ પાંચમી ફેબ્રુઆરી પહેલાં રજૂ કરવામાં આવતું હોય છે. એક શક્યતા એવી છે કે એકાદ અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર હાલ વહીવટકર્તા એવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બજેટ રજૂ કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુધરાઈના ઈતિહાસમાં માત્ર બીજીવાર એવું બનશે કે સ્થાયી સમિતિની ગેરહાજરીમાં બજેટ પસાર થશે. ગયા વર્ષે માર્ચ મહિનામાં બીએમસીની મુદત પૂરી થઈ ગઈ હતી. છેલ્લે 1985માં સ્થાયી સમિતિની ગેરહાજરીમાં બજેટ પસાર થયું હતું ત્યારે જમશેદ કાંગા મ્યુનિસિપલ કમિશનર હતા.

મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું કે, 1984માં બીએમસીના ઈતિહાસમાં પ્રથમવાર તત્કાલિન કૉંગ્રેસ સરકાર દ્વારા વહીવટકર્તાની નિમણૂંક કરાઈ હતી. ત્યારે બીએમસીની પાંચ વર્ષની મુદત પૂરી થઈ કે તરત જ મ્યુનિસિપલ કમિશનર રહેલા ડી.એમ. સુખથનકરની વહીવટકર્તા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. હાલ બીએમસીના ગૃહનું અસ્તિત્વ નથી ત્યારે વહીવટકર્તાએ બજેટ અંગે 28 જાન્યુઆરી સુધીમાં મુંબઈગરાઓના સૂચનો ઈમેલ કે લેખિતમાં મગાવ્યા છે.