• બુધવાર, 22 માર્ચ, 2023
રશિયા-ગોવા પ્રવાસી વિમાનનું ઉઝ્બેકિસ્તાનમાં ઈમર્જન્સી લેન્ડિંગ  
|

બૉમ્બની અફવા

નવી દિલ્હી,તા.21 : બાર દિવસની અંદર ફરી એક વખત રૂસથી ગોવા આવી રહેલી ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીથી ચકચાર વચ્ચે ફ્લાઈટને ઉઝ્બેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી હતી. મળતી વિગત મુજબ અઝૂર એરના વિમાને રૂસના પર્મ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ગોવા માટે ઊડાન ભરી હતી.

ગોવાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે આશરે 12.10 કલાકે ડાબોલિમ હવાઈમથકના નિદેશકને મેઈલ મોકલવામાં આવ્યો હતો. આ મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે વિમાનમાં એક બોમ્બ ગોઠવવામાં આવ્યો છે.

અધિકારીએ કહ્યું કે વિમાનમાં બોમ્બ હોવાનો મેઈલ મળ્યા બાદ તેને ભારતમાં પ્રવેશવા અગાઉ?જ ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ નિર્ધારિત સમય મુજબ ડાબોલિમ હવાઈમથકે સવારે 4.15 કલાકે ઉતરાણ કરવાની હતી. ડાયવર્ટ કર્યા બાદ વિમાને સવારે સાડા ચાર કલાકે ઉઝ્બેકિસ્તાનમાં ઊતરાણ કર્યું હતું. વિમાનમાં 238 મુસાફર અને સાત ક્રૂ સભ્ય છે. યાત્રીઓમાં બે નવજાતનો સમાવેશ થાય છે. ઉઝ્બેકિસ્તાનમાં વિમાનની સઘન તલાશી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 12 દિવસ પહેલાં પણ અઝૂર એરની મોસ્કો-ગોવા ફલાઈટમાં બોમ્બની જાણકારી મળી હતી. જોકે તપાસ પછી તેમાં કાંઈ મળ્યું ન હતું.

નવમી જાન્યુઆરીએ અઝૂર એરની મોસ્કોથી ગોવા આવી રહેલા વિમાનમાં બોમ્બ હોવાની જાણકારી મળ્યા બાદ તેને જામનગર ડાયવર્ટ કરીને સઘન તપાસ કરવામાં આવી હતી.

હેડલાઇન્સ