ઈસ્લામાબાદ, તા.21: પાકિસ્તાનની આર્થિક હાલત એટલી હદે કથળી ચૂકી છે કે દેશ ચલાવવા નાણાં નથી. વિદેશી મદદથી દેશ ચાલી રહ્યો છે. એક અહેવાલમાં ખુલાસો કરાયો છે કે છેલ્લાં 75 વર્ષમાં પાકિસ્તાન એક પછી એક વડાપ્રધાનના શાસનમાં બરબાદ થયું અને રર વર્ષમાં દેણું 1500 ટકા જેટલું વધી ગયું છે. 1947માં ભારતના ભાગલા કરીને બનાવવામાં આવેલો દેશ આજે નાદારીને આરે ઉભો છે. જે માટે અનેક કારણો અને શાસકો જવાબદાર છે. પાકિસ્તાનના આર્થિક બાબતોના નિષ્ણાત શહબાઝ રાણાએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં આજે લોન અને પ્રાપ્ત કરેલા ધિરાણનાં વ્યાજ પાછળ જ 4.8 ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ થાય છે. જે બજેટના 50 ટકા છે. વર્ષ 2000 બાદ આવેલી તમામ સરકારો અને તાનાશાહો કે ગઠબંધન સરકારે દેશને પાયમાલ કર્યો અને દેણાને અનેક ગણું વધારવાનું કામ કર્યું છે.