અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસોમાં ઠંડીનું જોર ઓછું થવાનો અંદાજ વ્યકત કર્યો છે. મુંબઈ, કોંકણ, નાશિક, સાતારા, ઔરંગાબાદ અને અહમદનગરમાં આ વર્ષે શિયાળો સારો રહ્યો હતો, પરંતુ હવે તેનું જોર ઓછું થઇ જશે. હવામાન વિભાગ અનુસાર મહારાષ્ટ્રમાં શિયાળો ઓછો સમય રહેશે. ઉત્તરથી આવતી હવાઓનું જોર ઓછું હોવાને પગલે મહારાષ્ટ્રમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયા બાદ આગામી પાંચ દિવસોમાં ઠંડીથી રાહત મળશે.
હવામાન વિભાગના અંદાજ અનુસાર 21મી જાન્યુઆરી સુધી હવામાન સાફ રહેશે, પરંતુ 21મી જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો થશે. 23મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી સુધી મહારાષ્ટ્રના કેટલાક ભાગો ઉપરાંત દેશના કેટલાક વિસ્તારોમાં કમોસમીની વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસોમાં ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વરસાદનો અંદાજ વ્યકત કરાયો છે. હવામાન વિભાગ અનુસાર ગ્લોબલ વોર્મિંગની અસરને પગલે હવામાનમાં અનેક ફેરફાર વધી રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ વધશે. શિયાળો ઓછો રહેશે, પણ હવે ચોમાસાની ઋતુ ઉપરાંત કમોસમી વરસાદ કોઇપણ રાજ્યમાં કયારે પણ અને કોઇપણ સમયે પડી શકે એવું તારણ હવામાન વિભાગે કાઢયું છે. શિયાળા અને ઉનાળામાં પણ હવે કમોસમી વરસાદ પડશે જેને પગલે ખેડૂતોએ પણ હવે પાક ઉગાડવાની રીત બદલવી પડશે.