બે વર્ષ બાદ જોવા મળશે મુંબઈગરાઓનો મિજાજ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : વર્ષ 2020 પછી પહેલીવાર યોજાઈ રહેલી 18મી મુંબઈ મેરેથોનમાં ભાગ લેવા માટે પંચાવન હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કોરોનાને કારણે 2021 અને 2022માં મુંબઈ મેરેથોન યોજી શકાઈ નહોતી. આથી આ વખતે મેરેથોન માટે લોકોમાં વધુ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. હાફ મેરેથોન સિવાયની બાકીની તમામ રેસ રવિવારે, મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી શરૂ થશે.
વિશેષ લોકલની સુવિધા
તાતા મુંબઈ મેરેથોન માટે રેલવે વિશેષ લોકલ ટ્રેનો દોડાવશે. મધ્ય રેલવેની મેનલાઈન પર કલ્યાણ સ્ટેશનેથી વહેલી સવારે ત્રણ વાગ્યે ટ્રેન ઊપડશે અને 4.30 વાગ્યે સીએસએમટી પહોંચશે. હાર્બર લાઈન પર પનવેલથી વહેલી સવારે 3.10 વાગ્યે લોકલ ઊપડશે જે 4.30 વાગ્યે સીએસએમટી પહોંચશે. પશ્ચિમ રેલવેમાં વિરારથી વહેલી સવારે 2.40 વાગ્યે અને બોરીવલીથી વહેલી સવારે 3.45 વાગ્યે ચર્ચગેટ માટે બે ટ્રેન રવાના થશે.
ટ્રાફિક નિયમન
ટ્રાફિક પોલીસે રવિવારની મેરેથોન માટે દિશા-નિર્દેશ બહાર પાડયા છે. 15મી જાન્યુઆરીએ વહેલી સવારે ત્રણ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી નીચે જણાવેલા રૂટ પર નો એન્ટ્રી અને નો પાર્કિંગ હશે. મેરેથોન સીએસએમટીથી શરૂ થઈને બાન્દ્રા વરલી સી-લિન્ક પરથી પસાર થશે.
નો એન્ટ્રી : એમ. જી. રોડ, કે. બી. પાટીલ માર્ગ, એન. એસ. રોડ, વાલકેશ્વર રોડ, બાબુલનાથ માર્ગ, હ્યુજસ રોડ, ડૉ. એ. બી. રોડ, મોરી રોડ, કલાનગર જંકશન સહિત 73 સ્થળે નો એન્ટ્રી હશે. નો પાર્કિંગ : પેડર રોડ, શીતલાદેવી જંકશન, મહાપાલિકા રોડ સહિત 30 સ્થળે નો પાર્કિંગ હશે
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધક કોઈ બીમારીથી પીડિત હોય તો દોડવા પહેલાં અને બાદમાં દવાઓના ડૉઝ માટે ડૉક્ટર સાથે વાત કરવી. દર્દીએ સાકર, નમક અને પાણી સાથે રાખવું. અચાનક સુગર ડાઉન થઈ જાય અથવા બ્લડપ્રેશર ઓછું થઈ જાય તો એનો ઉપયોગ કરવો. ડાયાબિટીસના દર્દીએ પોતાની પાસે બિસ્કિટ અથવા અન્ય ખાદ્યપદાર્થો રાખવા. ભૂખ્યા પેટે દોડવું નહીં અને ડૉક્ટરે જણાવેલો આહાર લેવો. પોતાના શરીરની ક્ષમતા મુજબ દોડવું. પગરખાં વિના દોડવું હોય તો પહેલાં એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે.