અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : ઉત્તરાખંડમાં જોશીમઠમાં જમીન ધસી જવાની સમસ્યાને લીધે સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓ સતત વધી રહી છે. બીજી તરફ ભારતીય સ્પેસ રિસર્ચ અૉર્ગેનાઈઝેશન `ઇસરો'એ જોશીમઠની આફત અંગે તૈયાર કરેલો અહેવાલ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે.
`ઇસરો'ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જોશીમઠમાં જમીન ધસી જવાની સમસ્યા વધુને વધુ વકરી રહી છે. ગત સાત માસમાં જમીન નવ સે.મી. જેટલી ધસી ગઈ છે. આટલું જાણે અપૂરતું હોય તેમ ગત 12 દિવસમાં પાંચ સેન્ટિમીટર જમીન ધસી ગઈ હતી. જોશીમઠમાં જમીન ધસી જવાની સમસ્યા અંગે પ્રકાશિત અહેવાલ હવે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ નથી. આ બાબતમાં `ઇસરો' દ્વારા કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી. જોશીમઠમાં જમીન ધસી પડવાની સમસ્યાથી ભાજપની સરકાર પણ ચિંતિત છે. ત્યાં બરફ વર્ષા અને વરસાદને કારણે લોકોને નાછૂટકે રાહત શિબિરોમાં આશરો લેવો પડી રહ્યો છે. સરકાર સમક્ષ 600થી વધારે પરિવારોને જોશીમઠથી સલામત સ્થળે ખસેડવાનો જંગી પડકાર છે. આ બાબતે `ઇસરો'એ શુક્રવારે એન.આર.એસ.સી.ની વેબસાઈટ ઉપર જોશીમઠમાં જમીન ધસી પડવાની સમસ્યા અંગેનો અહેવાલ મૂક્યો હતો. `ઇસરો'એ પોતાના અહેવાલમાં જણાવ્યા અનુસાર ગત 12 દિવસમાં જોશીમઠમાં જમીન ધસવાનું પ્રમાણ 5.4 સે.મી. થયું હતું. આ અહેવાલ 27મી ડિસેમ્બર, 2022થી આઠમી જાન્યુઆરી, 2023ની વચ્ચે થયેલા અભ્યાસને આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. `ઇસરો'ના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગત સાત માસમાં જોશીમઠમાં જમીન ધસી પડવાનું પ્રમાણ નવ સેન્ટિમીટર જેટલું થયું હતું.