• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયેલા કૉંગ્રેસના સાંસદ સંતોખસિંહનું નિધન
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 14 : કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે `ભારત જોડો' યાત્રામાં સામેલ થયેલા પક્ષના સાંસદ સંતોખસિંહ ચૌધરીનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે.

રાહુલ ગાંધની `ભારત જોડો' યાત્રા આજે સવારે સાત વાગે પંજાબમાં લુધિયાણા પાસે લોડોવાલથી શરૂ થઈ હતી. તેઓ રાહુલ ગાંધીની સાથે યાત્રામાં ચાલી રહ્યા હતા ત્યારે જ તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા અને બેચેની અનુભવાઈ હતી. તેથી તેમને તત્કાળ એમ્બ્યુલન્સમાં ફગવાડાની વિર્ક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ તેમને સવારે 9.30 વાગે મરણ પામેલા જાહેર કર્યા હતા. રાહુલ ગાંધી પણ તેમની સાથે હૉસ્પિટલે ગયા હતા અને ચૌધરીના નિધન પછી `ભારત જોડો' યાત્રા અટકાવી દેવામાં આવી હતી. બાદમાં યાત્રાને આજના દિવસ પૂરતી સ્થગિત કરવામાં આવી હતી.

આજે સવારે લોડોવાલથી શરૂ થયા બાદ યાત્રા સવારે દસ વાગે જલંધરમાં ગોરાયા પહોંચવાની હતી. ત્યાં ભોજન માટે વિરામ લેવાનું નક્કી થયું હતું. પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર આ યાત્રા બપોરે ત્રણ વાગે ફરી શરૂ થઈને સાંજે છ વાગે ફગવાડા બસ સ્ટેશન પાસે થોભવાની હતી. યાત્રાનો રાત્રિ વિશ્રામ કપૂરથલામાં કોનિકા રિસોર્ટ પાસેના મેહત ગામમાં થવાનો હતો. ચૌધરીના નિધન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટર મારફતે શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

સંતોખસિંહ ચૌધરીના અવસાન અંગે પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શોક વ્યક્ત કર્યો છે. ખડગેએ જણાવ્યું હતું કે અમારા સાંસદ ચૌધરીના અકાળ અવસાનના સમાચાર જાણીને દુ:ખ થયું છે અને આંચકો લાગ્યો છે. આ કપરી ક્ષણે હું તેમના પરિવાર, મિત્રો અને અનુયાયીઓની સાથે છું એમ ખડગેએ ઉમેર્યું હતું.

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદરે પણ સંતોખસિંહ ચૌધરીના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.