• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
એચડીએફસી બૅન્કનો નફો 18 ટકાથી ઊછળી રૂા. 12,259 કરોડ થયો
|

મુંબઈ, તા. 14 : દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ધિરાણદાર એચડીએફસી બૅન્કનો ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18.5 ટકા વધીને રૂા. 12,259 કરોડ થયો છે. બૅન્કે શનિવારે જાહેર કરેલાં પરિણામો મુજબ બૅન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (એનઆઈઆઈ) વધવાના કારણે ચોખ્ખો નફો વધ્યો છે. ત્રિમાસિક ધોરણે બૅન્કનો ચોખ્ખો નફો 15.6 ટકા વધ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર ગાળામાં બૅન્કનો નફો રૂા. 10,606 કરોડ થયો હતો. ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બૅન્કની એનઆઈઆઈ વાર્ષિક ધોરણે 24.6 ટકા વધીને રૂા. 22,987 કરોડ થઈ હતી. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળાનાં પરિણામો મુજબ બૅન્કની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 18.3 ટકા વધીને રૂા. 31,487 કરોડ થઈ છે. જે ગત વર્ષે સમાન ગાળામાં રૂા. 26,627 કરોડ થઈ હતી.

બૅન્કનો ગ્રોસ એનપીએ રૅશિયો વાર્ષિક ધોરણે 1.26 ટકાથી ઘટીને 1.26 ટકા થયો હતો. જ્યારે નેટ એનપીએ રૅશિયો 0.37 ટકાથી ઘટીને 0.33 ટકા થયો હતો. બૅન્કની અન્ય આવક ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં 15.4 ટકા વધી હતી. અન્ય આવકમાં ફી, કમિશન, વિદેશી હૂંડિયામણ અને ડેરિવેટિવ્ઝથી થયેલી આવક, વસૂલાત અને ડિવિડન્ડ્સની આવકનો સમાવેશ થાય છે.