• બુધવાર, 22 માર્ચ, 2023
ચંદા કોચર સામે હવે વિશ્વાસ ભંગનો ગંભીર આરોપ  
|

મુંબઈ, તા. 14 : લોન ફ્રોડ કેસમાં આઈસીઆઈસીઆઈ બૅન્કનાં ભૂતપૂર્વ સીઈઓ 

અને એમડી ચંદા કોચર સામે વિશ્વાસ ભંગનો ફોજદારી કેસ કરવાની સીબીઆઈની અરજીનો ખાસ અદાલતે શુક્રવારે સ્વીકાર કર્યો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 409 હેઠળ આ કેસમાં વધુમાં વધુ આજીવન કારાવાસની કેદ થઈ શકે છે. `જો તપાસકર્તા અધિકારીને એવું લાગે કે તેણે જે પુરાવા એકઠા કર્યા છે તેના આધારે કોઈ ખાસ કલમ ઉમેરી શકાય કે કાઢી શકાય તો તે તેમ કરી શકે છે અને તે વિષે તે કોર્ટને જાણ કરી શકે છે. તેને કોર્ટની આગોતરી પરવાનગી લેવાની કોઈ જરૂર નથી' એમ કોર્ટના 18 પાનાંના હુકમમાં જણાવવામાં આવ્યું હતું. ચંદા કોચર તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોનના ભૂતપૂર્વ ચૅરપર્સન વી. એન. ધૂત છેતરપિંડી અને ભ્રષ્ટાચારના કેસમાં આરોપીઓ છે.

કોચર દંપતીને આ સપ્તાહમાં બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે ધૂત હજી પણ અદાલતી કસ્ટડીમાં છે. સરકારી નોકર, બૅન્કર, મર્ચન્ટ કે એજન્ટને ફોજદારી વિશ્વાસ ભંગની કલમ 409 લાગુ પડે છે. સીબીઆઈએ કોચર દંપતી, ધૂત, વીડિયોકોન તેમ જ સુપ્રીમ એનર્જી પ્રા.લિ. સામે 22 જાન્યુઆરી 2019ના એફઆઈઆર નોંધી હતી. બૅન્કના નિયમો અને નીતિઓની વિરુદ્ધ જઈને વીડિયોકોનને લોન મંજૂર કરી આઈસીઆઈસીઆઈ બૅન્કને રૂપિયા 1730 કરોડ કરતાં વધુ રકમનું નુકસાન પહોંચાડવા બદલ આ તમામ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. સીબીઆઈએ એવો આરોપ મૂક્યો હતો કે કોચરને વીડિયોકોન તરફથી કટકી તરીકે રૂપિયા 64 કરોડ મળ્યા હતા.

હેડલાઇન્સ