• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

શામી અમારી ટીમ માટે જોખમ : કમિન્સ

વિશ્વ કપ ફાઇનલની પૂર્વ સંધ્યાએ કાંગારુ સુકાની : ભારત સારી ટીમ, પરંતુ અમારો દેખાવ પણ સારો

અમદાવાદ, તા. 18 : વિશ્વકપના ફાઇનલ મુકાબલાની પૂર્વ સંધ્યાએ  ઓસ્ટ્રેલિયાના  સુકાની પેટ કમિન્સે ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહંમદ શમીના  વખાણ કરતાં કહ્યું હતું કે, શમી અમારી ટીમ માટે મોટો ખતરો છે. 

કાંગારુ સુકાનીએ શનિવારે પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું હતું કે, આખી ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. ભારત ઘણી સારી ટીમ છે, પરંતુ અમે પણ સારું રમી રહ્યા છીએ.

અમારી શરૂઆત સારી નથી રહી, પરંતુ એક ટીમ તરીકે અમે અમારો સારો દેખાવ કરી રહ્યા છીએ, તેવું પેટ કમિન્સે ઉમેર્યું હતું.

તેણે કહ્યું કે, 1999માં  પ્રથમ બે  મેચ હાર્યા પછી અમે ચેમ્પિયન બન્યા હતા, પરંતુ હવે એ વાત જૂની થઇ ગઇ છે. અમારું ધ્યાન કાલની ફાઇનલ પર છે.

ટીમ ઇન્ડિયાના ત્રણેય ઝડપી બોલર શાનદાર ફોર્મમાં છે અને વચ્ચેની ઓવરોમાં  કુલદીપ યાદવ તેમજ રવીન્દ્ર જાડેજા કિફાયતી બોલિંગ કરવા સાથે વિકેટો પણ લેતા રહે છે.

ખાસ ઉલ્લેખનીય છે કે,  વિશ્વકપમાં  ઓસિની શરૂઆત ખરાબ રહી. પહેલા જ મુકાબલામાં ભારત સામે છ વિકેટે હાર ખમવી પડી હતી. બે લગાતાર હાર બાદ વાપસી કરતાં કાંગારુ ટીમે પછીના સાત મુકાબલા જીતી લીધા હતા.