• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

કેવી હશે ફાઇનલ જીતવાની વ્યૂહરચના ?

અમદાવાદ, તા. 18 : ભારતમાં જેનો ગજબનો ક્રેઝ છે એ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટનો ફાઈનલ જંગ હોય અને તેમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટક્કર થવાની હોય ત્યારે તો કહેવું જ શું ? રોહિતસેના આલાતરીન પ્રદર્શન સાથે સળંગ દસ મેચ જીતીને અંતિમ ટક્કર સુધી પહોંચી છે અને વિશ્વકપ વિજયની પ્રબળ દાવેદાર છે, પણ સામે ઓસિય કમ નથી. વળી તેને વર્લ્ડકપ અને તેના જેવી મોટી સ્પર્ધાઓની ફાઈનલમાં દમદાર દેખાવની આદત છે, ત્યારે ભારતે કાંગારુઓને હરાવવા માટે ખાસ વ્યૂહ અપનાવવો પડશે. 

રોહિતની મજબૂત શરૂઆત : કપ્તાન શાનદાર ફોર્મમાં છે અને તેણે ઘણીખરી મેચોમાં ટીમને સારો અને ઝડપી આરંભ અપાવ્યો છે. તે મિશેલ સ્ટાર્ક અને  જોશ હેઝલવૂડના શરૂઆતી સ્પેલને બેઅસર  કરી નાખે તો અડધું કામ તો જાણે પાર પડી જશે.

આમ તો શુભમન ગિલ પણ ગુજરાત ટાઈટન્સ વતી અમદાવાદમાં ઘણી વિસ્ફોટક ઈનિંગ્સ રમી ચૂક્યો છે અને તેના પર પણ નજર રહેશે.

વિરાટ અને શ્રેયસની રનરમઝટ : રનમશીન કોહલી અને ઐયર શાનદાર ફોર્મમાં છે અને ફાઈનલ જંગમાં બંનેનો બેટ ચાલ્યો તો બેડો પાર.

મેક્સવેલ સામે કુલદીપની બાઝી : ગ્લેન મેક્સવેલ મેચવિજેતા છે, પણ લીગ મેચમાં કુલદીપ યાદવે તેને પરેશાન કરીને આઉટ કર્યો હતો, ત્યારે કાલે પણ મેક્સવેલ સામે યાદવની બોલિંગ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

શમી-બુમરાહની ચુસ્ત બોલિંગ : વર્લ્ડકપમાં મોહમ્મદ શમીએ અફલાતૂન બોલિંગ કરીને હરીફોને હંફાવ્યા છે, તો બુમરાહ સતત સારી બોલિંગ કરી રહ્યો છે. આ ઝડપી બોલરની જોડી દબાણમાં આવ્યા વિના પોતાની  લાઈન-લેન્થ જાળવી રાખે એ જરૂરી છે. 

આર. અશ્વિનનો જુગાર : એવી અટકળો ફેલાયેલી છે કે, ફાઈનલમાં ભારત વધારાના સ્પિનર તરીકે અશ્વિનને પણ ઉતારશે. જો કે, આ નિર્ણય મુશ્કેલ રહેશે, કારણ કે, એ માટે સતત જીતતી ટીમનું કોમ્બિનેશન ખોરવાઈ શકે છે.