• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

અફઘાન સ્પિનર્સે વિશ્વ કપમાં રચ્યો ઈતિહાસ  

ભારતને પછાડીને સ્પીનર્સે ફેંકી વિશ્વ કપની સૌથી વધારે ઓવર

નવી દિલ્હી, તા. 11: અફઘાનિસ્તાનના સ્પીનર્સે વિશ્વકપનાં એક સંસ્કરણમાં સૌથી વધારે ઓવર ફેંકવાનો વિશ્વ વિક્રમ પોતાનાં નામે કરી લીધો છે. ભારતમાં ચાલી રહેલા વિશ્વકપમાં અફઘાનિસ્તાનના સ્પીનર્સે કુલ 268.5 ઓવર બોલિંગ કરી છે અને ટીમ ઇન્ડિયાના 12 વર્ષ જૂના રેકોર્ડને તોડયો છે. ભારતના સ્પીનર્સે 2011ના વિશ્વકપમાં કુલ 251 ઓવર બોલિંગ કરી હતી. અફઘાનિસ્તાન ઉપરાંત અન્ય કોઈપણ ટીમના બોલર 200 ઓવર પણ ફેંકી શક્યા નથી. દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાને પોતાના શાનદાર વિશ્વકપ અભિયાનનો અંત હાર સાથે કર્યો હતો. નવમાંથી ચાર મેચ જીતીને ટીમ 8 અંક સાથે 6ઠ્ઠા ક્રમાંકે રહી હતી. વિશ્વકપના ઈતિહાસમાં એક ઇનિંગમાં 40 ઓવર સ્પીનર્સ પાસે કરાવનારી પણ અફઘાનિસ્તાન પહેલી ટીમ બની છે. દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાનના સ્પીનર્સે 40 ઓવર બોલિંગ કરીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આ પહેલા રેકોર્ડ યુએઈનાં નામે હતો. જેણે ન્યુઝિલેન્ડ સામે 1996ના વિશ્વકપમાં સ્પીનર્સ પાસે 39 ઓવર કરાવી હતી.