હાર્દિક પંડયા ઈજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર દેખાવાની સંભાવના
નવી દિલ્હી, તા. 21: ભારતીય ટીમ વિશ્વકપમાં વિજય રથ ઉપર સવાર છે. ટીમ ઇન્ડિયા સતત ચાર મેચ જીતી ચુકી છે. હવે ટીમ ઇન્ડિયાની ટક્કર રવિવારના રોજ ન્યુઝિલેન્ડ સામે થશે. ટીમ ઇન્ડિયાને આ મેચમાં મોટો ઝટકો હાર્દિક પંડયાનાં રૂપમાં લાગ્યો છે. જે ઈજાગ્રસ્ત થવાનાં કારણે બહાર થયો છે. જેના પરિણામે ટીમમાં મજબૂરીમાં ફેરફાર કરવો પડશે, કારણ કે ભારતીય બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ બંગલાદેશ સામેના મેચ પહેલા રોટેશન કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેવામાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે ધર્મશાળામાં ન્યુઝિલેન્ડ સામે ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનનું કોમ્બિનેશન શું રહેશે.
જો આંકડા અને પ્રદર્શનના હિસાબે જોવામાં આવે તો ટીમ ઇન્ડિયાની યુનિટમાં કીવી ટીમ સામે મોટા બદલાવ જોવા મળી શકે છે. હાર્દિક પંડયા ઈજાગ્રસ્ત થવાથી હવે તેની જગ્યા કોણ લેશે તે સૌથી મોટો સવાલ છે. બંગલાદેશ સામે 19 ઓક્ટોબરના રોજ વિશ્વકપ મેચ દરમિયાન હાર્દિકને ઈજા પહોંચી હતી. જેનાથી તે મેદાનની બહાર ચાલી ગયો હતો. બાદમાં તેને સ્કેન માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. હવે પંડયા ધર્મશાળા જઈ રહ્યો નથી પણ મેડિકલ સહાયતા માટે બેંગલોરની નેશનલ ક્રિકેટ એકેડમી જશે. પંડયા સીધો લખનઉમાં ટીમ સાથે જોડાશે. જ્યાં ભારત 29 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ સામે રમશે.
વિશ્વકપમાં હજી સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓ છે. જેને એક પણ મેચ રમવાની તક મળી નથી. તેવામાં રોહિત શર્માના ટીમ ઇન્ડિયાના કોમ્બિનેશન ઉપર નજર રહેશે. સૂર્યાને પણ હાર્દિકની જગ્યા ઉતારી શકાય તેમ છે. વર્તમાન સમયે હાર્દિકની જગ્યા લેવા માટે અશ્વિન બેસ્ટ છે. અશ્વિન 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પહેલો મેચ રમવા ઉતર્યો હતો. જેમાં એક વિકેટ લીધી હતી. આ દરમિયાન અશ્વિને રન પણ ઓછા આપ્યા હતા. અશ્વિન નીચલા ક્રમમાં બેટિંગ પણ કરી શકે છે. તેવામાં હાર્દિકની જગ્યા પૂરી શકે તેમ છે. હાર્દિકનું પ્રદર્શન વિશ્વકપમાં એવરેજ રહ્યું છે. તેણે પાંચ વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે એક મેચમાં બેટિંગની તક મળી હતી. જેમાં નોટઆઉટ 11 રન કર્યા હતા.
આ ઉપરાંત શાર્દુલને જે રીતે તક મળી રહી છે. તેને લઈને સોશિયલ મીડિયા ઉપર ચાહકો ગુસ્સામાં છે, કારણ કે શાર્દુલે વિશ્વકપમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું નથી. અફઘાનિસ્તાન સામે શાર્દુલને અશ્વિનની જગ્યાએ તક મળી હતી. બાદમાં તેને ટીમમાં સામેલ કરવાને લઈને સુનીલ ગાવસ્કર અને ઈરફાન પઠાણે પણ સવાલ ઉઠાવ્યા હતા જ્યારે શમીને નજરઅંદાજ કરવાને લઈને પણ લોકોમાં નારાજગી છે.