• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

રોહિત શર્મા અને બુમરાહ ભારતના વિજયના શિલ્પકાર

અમદાવાદ, તા.14: પાક. કપ્તાન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પાક.ની ઈનિંગ સંભાળપૂર્વક આગળ વધારી હતી. બન્ને ભારતીય બોલરોને ટકકર આપીને ક્રિઝ પર સેટ થઇ ગયા હતા. આથી પાક.280 આસપાસના સ્કોર સુધી પહોંચશે તેવી સ્થિતિ હતી. દબાણની આ સ્થિતિમાં ફરી એકવાર સિરાજ ત્રાટક્યો હતો. ખતરનાક બાબર આઝમને બોલ્ડ કરીને તેણે આ ભાગીદારીનો અંત કર્યો હતો. બાબરે 58 દડામાં 7 ચોક્કાથી 50 રનની ઇનિંગ રમી હતી. 155 રને ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ મેચમાં નાટકીય વળાંક આવ્યો હતો. ચાઇનમેન બોલર કુલદીપ યાદવે ઇનિંગની 33મી અને પોતાની 8મી ઓવરમાં સઉદ શકીલ (6) અને ઇફિતખાર અહેમદ (4)ની વિકેટ ઝડપીને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું. 

શરૂઆતથી ઘાતક બોલિંગ કરનાર જસપ્રિત બુમરાહે તેના બીજા સ્પેલમાં અદ્ભુત ઓફ કટરથી મોહમ્મદ રિઝવાનને ક્લીન બોલ્ડ કર્યો હતો. બુમરાહના આ દડામાં રિઝવાન રીતસરનો હેબતાઇ ગયો હતો. રિઝવાને 69 દડામાં 7 ચોક્કાથી 49 રન કર્યાં હતા. બાદમાં બુમરાહે પછીની ઓવરમાં વધુ એક અદ્ભુત બોલ ફેંકીને શાદાબ ખાન (2)ને બોલ્ડ કર્યો હતો. પાક.ના આ નાટકીય ધબડકાથી ટીમ ઇન્ડિયાએ સંપૂર્ણ દબદબા સાથે પાકિસ્તાનની બેટિંગને રફેદફે કરી નાંખી હતી.

હાર્દિકે ફરી એકવાર ટીમ ઇન્ડિયાને વિકેટની ભેટ ધરી હતી. મોહમ્મદ નવાઝનો તેણે 4 રને શિકાર કર્યો હતો. જ્યારે આખરી બે વિકેટ રવીન્દ્ર જાડેજાએ હસન અલી (12) અને હારિસ રઉફ (2)ના રૂપમાં ઝડપી હતી. અફ્રિદી 2 રને નોટઆઉટ રહ્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી.ભારત તરફથી સિરાઝ, બુમરાહ, હાર્દિક, કુલદીપ અને જાડેજાએ પ્રત્યેક એ બે-બે વિકેટ લીધી હતી.

સ્કોર બોર્ડ: શફીક એલબીડબ્લ્યુ સિરાજ 20, હક કો. રાહુલ બો. હાર્દિક 36, બાબર બોલ્ડ સિરાજ 50, રિઝવાન બોલ્ડ બુમરાહ 49, શકીલ એલબીડબ્લ્યૂ કુલદીપ 6, ઈફિતખાર બોલ્ડ કુલદીપ 4, શાદાબ બોલ્ડ બુમરાહ 2, નવાઝ કો. બુમરાહ બો. હાર્દિક 4, હસન અલી કો. ગિલ બો. જાડેજા 12, અફ્રિદી નોટઆઉટ 2, રઉફ એલબીડબ્લ્યૂ જાડેજા 2, વધારાના 4, કુલ 42.5 ઓવરમાં 

191 રન વિકેટ ક્રમ : 41, 73, 155, 162, 166, 168, 171, 187, 187 અને 191.

બોલિંગ : બુમરાહ : 7-1-19-2, સિરાજ: 8-0-50-2, હાર્દિક : 6-0-34-2, કુલદીપ : 10-0-35-2, જાડેજા : 9.5-0-38-2, શાર્દુલ : 2-0-12-0.

સ્કોર બોર્ડ : ભારત : ગિલ કો. ઇફ્તિખાર બો. અફ્રિદી 86, રોહિત કો. શાદાબ બો. અફ્રિદી 86, વિરાટ કો. નવાઝ બો. હસન 16, શ્રેયસ અણનમ 53, રાહુલ અણનમ 19, વધારાના 2. કુલ 30.3 ઓવરમાં 3 વિકેટે 192 રન. વિકેટ ક્રમ : 23, 79 અને 156

બોલિંગ : અફ્રિદી : 6-0-36-0, હસન : 6-0-34-1, નવાઝ : 8.3-0-47-0, રઉફ : 6-0-43-0 અને શાદાબ : 4-0-31-0

પાકિસ્તાનની ઇનિંગમાં એક પણ સિક્સ નહીં

ખાસ વાત એ રહી હતી કે પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન એક પણ છક્કો લાગ્યો ન હતો. ભારતની ધારદાર બોલિંગ સામે પાક. બેટધરોએ રીતસરની શરણાગતિ સ્વીકારી લીધી હતી. 191 દરમિયાન પાક. તરફથી કુલ 26 ચોકકા લાગ્યા હતા.

વન ડેમાં રોહિતની 300 છગ્ગાની ઉપલબ્ધિ

રોહિત શર્મા વન ડે ફોર્મેટમાં 300 છક્કા પૂરા કરનારો વિશ્વનો ત્રીજો બેટધર બન્યો હતો. તેનાં નામે હવે 302 સિક્સ થઈ છે. તેનાથી આગળ ક્રિસ ગેલ (331) અને શાહિદ અફ્રિદી (351) છે.

પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો નાટકીય ધબડકો

પાકિસ્તાનની ટીમનો તેના વન ડે ઇતિહાસમાં આ ત્રીજો સૌથી ખરાબ ધબડકો છે. 1993માં કેપટાઉનમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ તેણે 32 રનમાં 8 વિકેટ ગુમાવી હતી. આથી પાક. ટીમ ફકત 43 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. 2012માં કોલંબો ખાતે શ્રીલંકા વિરૂધ્ધ 33 રનમાં આખરી 8 વિકેટ ગુમાવી હતી. આથી 166 રને બે વિકેટ બાદ પૂરી પાક. ટીમ 199 રને ઓલઆઉટ થઇ ગઇ છે. હવે આજે ભારત સામે પાકિસ્તાને આખરી 8 વિકેટ 36 રનમાં ગુમાવી છે. બે વિકેટે 155 રન બાદ પૂરી પાક. ટીમ 191 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. 

ગુજરાતના ત્રણ બૉલરે પાક.ની કમર તોડી

વિશ્વ કપના પાકિસ્તાન સામેના આજના મહાસંગ્રામમાં ટીમ ઇન્ડિયા તરફથી રમી રહેલા ગુજરાતના ત્રણ ખેલાડી જસપ્રિત બુમરાહ (અમદાવાદ), હાર્દિક પંડયા (વડોદરા) અને રવીન્દ્ર જાડેજા (જામનગર) છવાઇ ગયા હતા. ગુજરાતના આ ત્રણેય બોલરે મળીને કુલ 6 વિકેટ ઝડપીને પાકિસ્તાનની બેટિંગ ક્રમની કમર તોડી નાંખી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકલ ખેલાડીઓના આ શાનદાર દેખાવથી ઉપસ્થિતિ સવા લાખ દર્શકો ઝૂમી ઉઠયા હતા. 

બુમરાહે 7 ઓવરમાં ફકત 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જયારે હાર્દિકે 6 ઓવરમાં 34 રનમાં 2 વિકેટ લીધી હતી. તો રવીન્દ્ર જાડેજાએ 9.5 ઓવરમાં 2 વિકેટ મેળવી હતી.