એશિયા હોકી પાંચમા મલેશિયાને 7-2થી હરાવ્યું
નવી દિલ્હી, તા. 26 : ભારતે શુક્રવારે ઓમાનમાં મલેશિયા સામે 7-2થી શાનદાર જીત સાથે મહિલા એશિયાઈ હોકી વિશ્વકપ 5 ક્વોલીફાયરમાં અભિયાનની શરૂઆત કરી દીધી છે. હોકી 5મા પ્રત્યેક ટીમમાં પાંચ પાંચ ખેલાડી હોય છે અને તેનું મેદાન નિયમિત હોકી મેદાન કરતા નાનું હોય છે. ભારત માટે કેપ્ટન નવજોત કૌર, અક્ષતા ઢેકાલે, મરિયાના કુજુર, મોનિકા ટોપ્પો અને મહિમા ચૌધરીએ ગોલ કર્યા હતા.
મલેશિયા તરફથી વાન વાન અને અજીજ જફિરાહ ગોલ કરવામાં સફળ રહી હતી. ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ દબદબો બનાવવાની શરૂઆત કરી દીધી હતી. મેચની ત્રીજી અને ચોથી મિનિટમાં નવજોત અને અક્ષતાના ગોલથી ટીમે 2-0થી બઢત બનાવી હતી. મલેશિયાએ વાન અને જફિરાહના ગોલથી વાપસી કરી હતી અને સ્કોર 2-2 કર્યો હતો. બાદમાં ભારતે જવાબી હુમલો શરૂ કર્યો હતો અને મોનિકાના ગોલથી 3-2થી બઢત બનાવી લીધી હતી. ભારતે મેચના બીજા હાફમાં રમતથી ગતિ વધારવા ઉપર ધ્યાન આપ્યું હતું અને ટીમને તેનો ફાયદો પણ મળ્યો હતો. મારિયાના અને મોનિકાએ ત્રણ મિનિટમાં બે ગોલ કરતા ભારતની પકડ મજબૂત થઈ હતી. બાદમાં મહિમા અને નવજોતે બે ગોલ કરીને બઢતને 7-2 કરી દીધી હતી. હવે ભારતનો મુકાબલો જાપાન સામે થવાનો છે.