એશિયન્સ ગૅમ્સમાં ભાગ લેવા માટે ક્રિકેટની બી સ્ક્વોડ મોકલાશે
મુંબઈ, તા. 24 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા ટીમને ઉતારવાની તૈયારીમાં છે. એશિયન ગેમ્સ ચીનના હાંગઝુમાં યોજવાની છે. જેનું આયોજન 23 સપ્ટેમ્બરથી આઠમી ઓક્ટોબર સુધી થશે. બીસીસીઆઈએ અગાઉ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. જો કે હવે ટીમ મોકલવાનો નિર્ણય થયો છે. કોમનવેલ્થ ગેમ્સની જેમ એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટ ટી20 ફોર્મેટમાં રમાશે.
રિપોર્ટ અનુસાર એશિયન ગેમ્સમા પુરુષ ટીમની બી સ્ક્વોડ હશે કારણ કે આ સમયમાં વિશ્વકપ પણ રમાવાનો છે. પાંચમી ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતની મેજબાનીમાં વનડે વિશ્વકપ થશે જ્યારે મહિલા ક્રિકેટ ટીમની પ્રમુખ ખેલાડીઓ રમવા માટે ચીન જશે. કહેવાય છે કે બીસીસીઆઈ 30 જૂન પહેલા ખેલાડીઓની યાદી ભારતીય ઓલિમ્પિક સંઘને મોકલી દેશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ વિશ્વકપમાં રમશે. તેવામાં યુવા ખેલાડીઓને એશિયન ગેમ્સમાં મોકલવામાં આવશે. જેમાં મોટાભાગના ખેલાડી આઈપીએલ સ્ટાર હશે. એશિયન ગેમ્સના 2010 અને 2014ના સંસ્કરણમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું હતું. જો કે બીસીસીઆઈએ ટીમ ન મોકલવાનો નિર્ણય કર્યો હતો. 2018મા જકાર્તામાં પણ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું નહોતું. જો કે ચાલુ વર્ષે ચીનમાં થનારા આયોજનમાં ક્રિકેટની વાપસી થઈ છે. એશિયન ગેમ્સનું આયોજન ગયા વર્ષે જ થવાનું હતું. જો કે કોરોનાના કારણે એક વર્ષ લંબાવવામાં આવ્યું છે.