• બુધવાર, 22 માર્ચ, 2023
બાળ ઠાકરે અકસ્માત વીમા યોજનાની જાહેરાત છતાં અમલ અદ્ધરતાલ
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રમાં રસ્તા ઉપર અકસ્માત થાય તો અકસ્માત વીમા યોજના હેઠળ 72 કલાક વિનામૂલ્યે તબીબી સારવાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં તે અનેક વર્ષોથી અદ્ધર જ છે. આ યોજનાની જાહેરાત સાત વર્ષ પહેલા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાનપદે ઉદ્ધવ ઠાકરે હતા તે સમયગાળામાં તે વિશે સરકારી આદેશ પણ બહાર પાડવામાં આવ્યો હતો. આમ છતાં અત્યાર સુધી આ યોજનાનો અમલ કરવામાં આવ્યો નથી.

ડૉ. દીપક સાવંત આરોગ્ય પ્રધાન હતા ત્યારે વર્ષ 2016માં પહેલીવાર બાળા સાહેબ ઠાકરે વીમા યોજનાની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રધાનમંડળની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યપાલના વિધાનગૃહો સમક્ષના ભાષણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમ છતાં અત્યાર સુધી તેનો અમલ શરૂ થઈ શક્યો નથી.

ડૉ. દીપક સાવંત પછી અલ્પ સમય માટે આરોગ્ય ખાતાના પ્રધાનપદે રહેલા એકનાથ શિંદેના કાર્યકાળમાં સુદ્ધાં આ યોજનાનો અમલ શરૂ થઈ શક્યો નહોતો. હવે આરોગ્ય ખાતાનો અખત્યાર સંભાળતા તાનાજી સાવંત આ હેતુસર કયા પગલાં ભરે છે તે જોવાનું છે.

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 74 પ્રકારની સારવાર-પ્રક્રિયા માટે 30,000 રૂપિયા સુધીનું વીમાનું રક્ષણ આપવાની યોજના ઘડવામાં આવી હતી. જે નાગરિકો મહાત્મા ફુલે જન આરોગ્ય યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી હોય તેઓને આ યોજનામાંથી સારવાર આપવી એવું નક્કી થયું હતું.

હેડલાઇન્સ