આરટીઆઇના ખુલાસા બાદ એનસીપીના નેતાએ ઉઠાવ્યો સવાલ
મુંબઈ, તા. 28 : આરટીઆઈ (માહિતી અધિકાર) કાર્યકર્તા સંતોષ જાધવે મહારાષ્ટ્ર રાજભવન પાસેથી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપતા પત્રની તારીખ અને અન્ય જાણકારી માંગી હતી. તેના જવાબમાં રાજ્યપાલ સચિવાલય તરફથી માહિતી મળી હતી કે આવા કોઈ પત્રનો કોઈ રેકોર્ડ નથી. એટલા માટે આ વિશે કોઈ માહિતી આપી શકાતી નથી.
આરટીઆઈના ખુલાસા બાદ એનસીપીના પ્રવક્તા મહેશ તાપસેએ સવાલ ઉઠાવ્યો છે કે શું રાજ્યપાલ ભગતાસિંહ કોશિયારીના આમંત્રણ વિના શિંદે-ફડણવીસ સરકારની રચના થઈ છે? તાપસેએ કહ્યું કે જ્યારે કોઈ નેતા રાજ્યપાલને પોતાની તરફેણમાં બહુમતી હોવાનો પત્ર આપે છે, ત્યારે રાજ્યપાલ તેમને ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે લેખિત પત્ર આપે છે, પરંતુ મહારાષ્ટ્રના રાજભવનમાં આવા કોઈ પત્રનો કોઈ રેકોર્ડ ન હોવાને કારણે એ સવાલ ઉઠે તે સ્વાભાવિક છે કે રાજ્યપાલનું આમંત્રણ ન હોવા છતાં સરકાર કેવી રીતે અને કોના આદેશથી બની?
મુખ્ય પ્રધાને કેવી રીતે લીધા શપથ? શું આ રીતે અસ્તિત્વમાં આવેલી સરકારનો કોઈ બંધારણીય દરજ્જો છે? તાપસેએ કહ્યું કે અન્ય કોઈને બદલે રાજ્યપાલે પોતે જ આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તાપસેએ કહ્યું કે આરટીઆઈ દ્વારા આ માહિતી સામે આવ્યા બાદ રાજ્યપાલ ભગતાસિંહ કોશિયારીએ પોતે તેમના પદ પરથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શું આ બે વસ્તુઓ વચ્ચે કોઈ સંબંધ છે?
આ આરટીઆઈના બહાને મહાવિકાસ અઘાડીના ત્રણેય ઘટક શિંદે સરકાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ પર પ્રહારો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાજ્યપાલે આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. જોકે, બીજી તરફ રાજ્યપાલે હવે મહારાષ્ટ્ર છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક રીતે તેમણે પીએમ મોદી સામે રાજકીય નિવૃત્તિનો મામલો મૂક્યો છે.