• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

હમાસને  ખતમ કરવા કોઈ પણ હદે જશું : ઈઝરાયલ

અલ-શિફા હૉસ્પિટલમાં તમામ 200 દર્દીનાં મોત

તેલ અવીવ, તા. 18 : દક્ષિણ ગાઝામાંથી પણ હમાસનો સફાયો કરવાના સંકલ્પની સેનાની ઘોષણા વચ્ચે ગાઝાની સૌથી મોટી અલ-શિફા હોસ્પિટલમાં ચાર નવજાત બાળકો સહિત તમામ 200 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે.

હોસ્પિટલમાં ખાસ તો ઈંધણ સહિત જરૂરી સુવિધાઓની અછતનાં પગલે સમયસર સારવાર નહીં મળતાં આઈસીયુમાં દાખલ તમામ દર્દી જીવ ખોઈ ચૂક્યા છે, તેવું ગાઝાનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ જણાવ્યું હતું કે, હમાસના ખાત્મા માટે અમે કોઈ પણ હદ સુધી જશું.

દરમ્યાન, એક અહેવાલ અનુસાર, ઈઝરાયેલી સેનાએ તબીબો અને દર્દીઓને અલ-શિફા હોસ્પિટલ ખાલી કરવા માટે એક કલાકનો સમય આપ્યો હતો.

હમાસના આતંકવાદીઓ જ્યાં પણ જોવા મળશે ત્યાં ખતમ કરી નાખશું, તેવું આઈડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું.

દરમ્યાન, સંયુક્ત રાષ્ટ્રના માનવીય મામલાઓના વડા માર્ટિન ગ્રિફીએ કહ્યું કે, અમારી માંગ બહુ સરળ છે. યુદ્ધ રોકી દો, જેથી સામાન્ય નાગરિકો સલામત સ્થળો પર પહોંચી શકે.

ગઈકાલે શુક્રવારની મોડી રાત્રે ઈઝરાયલની કેબિનેટ દ્વારા કરાયેલા મહત્ત્વના ફેંસલા હેઠળ ગાઝામાં દરરોજ ઈંધણનાં બે ટેન્કર મોકલ્યાં છે.

નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના અધ્યક્ષ હાંગેબીએ જણાવ્યું હતું કે, ગાઝામાં ગટરની વ્યવસ્થા ખતમ થવાની અણીએ હોવાથી ગંભીર બીમારીઓ ફેલાવાનો ખતરો છે.