• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

વડા પ્રધાન દુર્ઘટના સ્થળે પહોંચ્યા  

ટ્રેન અકસ્માતનો મૃત્યુઆંક 288

કોઈ દોષિતને નહીં છોડાય; પીડિતોને મદદનું એલાન

ભુવનેશ્વર, તા. 3 : ઓરિસ્સાનાં બાલાસોરમાં શુક્રવારને બ્લેક ફ્રાઈડે બનાવી નાખનારી ભારતની ચોથી મોટી અને કંપાવનારી દર્દનાક રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકો હતભાગી બન્યા હોવાનું બહાર આવ્યું છે અને હજી પણ 803 ઘાયલોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આમ દેશની લાઈફ લાઈન ગણાતી રેલવે જ લાઈફ છીનવનારી સાબિત થઈ છે. આજે દિવસ દરમિયાન બચાવ રાહત કામગીરી પૂરવેગે ચાલી હતી અને છેક સાંજે તે પૂર્ણ થઈ શકી હતી. હવે રેલવે ટ્રેક ઉપરથી ત્રણેય ટ્રેનોનાં કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ દર્દનાક દુર્ઘટનાની તપાસનાં આદેશો છોડી દેવામાં આવ્યા છે. સાઉથ ઈસ્ટર્ન ઝોનનાં રેલવે સેફ્ટી કમિશનર એ.એમ.ચૌધરી આ ટ્રિપલ ટ્રેન અકસ્માતની તપાસ કરશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના કાર્યક્રમોમાં તાકીદનાં ફેરફાર કરીને ઓરિસ્સામાં દુર્ઘટના સ્થળની અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને આવશ્યક સૂચનાઓ કેન્દ્રીય અધિકારીઓ અને રાજ્યનાં પ્રશાસનને આપી હતી. તો પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ રેલપ્રધાનની હાજરીમાં જ ઘટનાસ્થળે આ દુર્ઘટનાની ગંભીર તપાસની માગણી કરી હતી. બંગાળ સરકારે ઓરિસ્સામાં મદદ માટે 110 એમ્બ્યુલન્સ અને 40 તબીબો મોકલ્યા હતાં.  આ ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં બે યાત્રી ટ્રેન અને એક માલગાડી ટકરાઈ છે. જેમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં કુલ મળીને 1556 મુસાફરો હતાં. તો વિશ્વેશ્વર-હાવડા એક્સપ્રેસમાં 1744 ઉતારુઓ હતાં. આમાંથી દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને ગોપાલપુર, કાંતાપાડા, બાલાસોર, ભદ્રક અને સોરોની હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. 

શુક્રવારે સાંજે દુર્ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો અને પ્રશાસન દ્વારા બચાવ રાહતકાર્ય ઉપાડી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ 7 એનડીઆરએફ, પ ઓડીઆરએએફ અને 24 ફાયર સર્વિસ યુનિટ, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકો ટકરાયેલી ટ્રેનોનાં કાટમાળમાં ફસાયેલા લોકોને ઉગારવાનું અભિયાન ઉપાડી લેવામાં આવ્યું હતું. જો કે રાત્રે અંધારુ થયા બાદ તેમાં ભારે અડચણો પેદા થઈ હતી. આજે દિવસ દરમિયાન પણ આ કાર્ય ચાલતું રહ્યું હતું.

રેલપ્રધાન અશ્વિની વૈષ્ણવનાં જણાવ્યા પ્રમાણે આ ભયાનક દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવશે અને સીઆરએસ પણ આની સ્વતંત્ર તપાસ કરશે. હાલ ફક્ત લોકોને બચાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત છે. રેલપ્રધાને પ્રત્યેક મૃતકને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલને 2 લાખ અને સામાન્ય ઈજામાં 50 હજાર રૂપિયાની સહાયતાની ઘોષણા પણ કરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોનાં પરિજનોને 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની અલગથી સહાય જાહેર કરી હતી. 

 આ દુર્ઘટનાને પગલે રુટ ઉપરથી પસાર થનારી 92 ટ્રેનો અને અન્ય ટ્રેનો ઉપર પણ તેની અસર થઈ હતી. કુલ મળીને 43 ટ્રેનો રદ થઈ છે. 38નાં રુટ બદલાયા છે અને 9 ટ્રેન ટર્મિનેશન કરાઈ છે. ઓરિસ્સાનાં મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આ દુર્ઘટનાને પગલે રાજ્યમાં તમામ સરકારી કાર્યક્રમો રદ કરીને એક દિવસનાં રાજકીય શોકનું એલાન કર્યુ હતું. કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પક્ષનાં કાર્યકરોને શક્ય તમામ મદદ પૂરી પાડવા સૂચના આપી હતી અને આ ઘટના માટે કોણ જવાબદાર છે તેવો સવાલ પણ રેલપ્રધાનને કર્યો હતો.

ઓરિસ્સાનાં કટકમાં બાલાસોર ખાતે ભીષણ ટ્રેન અકસ્માત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનાં કાર્યક્રમોમાં છેલ્લી ઘડીનાં ફેરફાર કરીને ઘટનાસ્થળ અને ઘાયલોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મોદીએ કહ્યું હતું કે, આ દર્દનાક ઘટના છે અને ઈજાગ્રસ્તોનાં ઈલાજમાં કોઈ જ કસર છોડવામાં નહીં આવે. આ ગંભીર ઘટનાની તમામ પ્રકારે તપાસનાં નિર્દેશ આપી દેવાયા છે અને કોઈ દોષી જણાશે તો તેને આકરી સજા મળશે. 

વડાપ્રધાન મોદી આજે બપોરે ભારતીય વાયુસેનાનાં હેલિકોપ્ટરથી બાલાસોર ગયા હતાં અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા પછી તેઓ બાલાસોર જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને મળવા પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદી ઘટનાસ્થળ અને ઘાયલોની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા પણ ભાવુક થઈ ગયા હતાં. તેમણે કહ્યું કે, અનેક રાજ્યોનાં નાગરિકોએ આ યાત્રામાં કંઈકને કંઈક ગુમાવી દીધું છે. આ દર્દનાક અને વેદનાથી પણ  વધુ મન વિચલિત કરનારી ઘટના છે. જે પરિવારનાં લોકોને ઈજાઓ થઈ છે તેમના માટે પણ સારવારમાં સરકાર કોઈ જ કસર છોડશે નહીં. જે પરિજનો આપણે ગુમાવ્યા છે તે પાછા આવી શકશે નહીં પણ સરકાર તેમનાં દુ:ખમાં આવા પરિવારોની સાથે છે. તેમણે આગળ કહ્યું હતું કે, સરકાર માટે આ અત્યંત ગંભીર ઘટના છે અને તમામ પ્રકારની તપાસનાં આદેશો આપવામાં આવ્યા છે. જે કોઈપણ દોષિત હશે તેને સખ્તમાં સખ્ત સજા થશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે. ઓરિસ્સા સરકાર, અહીંનું પ્રશાસન અને અધિકારીઓએ પોતાનાં સંસાધનો મુજબ લોકોની મદદનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. 

દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતી વખતે વડાપ્રધાન મોદીએ ત્યાંથી જ સ્વાસ્થ્ય સચિવને ફોન જોડયો હતો અને તેમને ઘાયલોની સારવાર સહિતનાં નિર્દેશો આપી દીધા હતાં. આ ઉપરાંત સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા સાથે પણ ત્યાંથી જ સીધી વાત કરી હતી. 

વડા પ્રધાન સાથે ત્યાં રેલપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હતાં. આ ઉપરાંત ઓરિસ્સાનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.