કુલગામના જંગલમાં સૈન્ય ટેન્ટને નિશાન બનાવી ગોળીબાર-અથડામણ
કુલગામ, તા.5 : કાશ્મીરમાં આતંકીઓએ કરેલા હુમલામાં સૈન્યના 3 જવાન શહીદ થયા છે. શુક્રવાર સાંજથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં આતંકીઓના ગોળીબારમાં જવાનો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા.
કુલગામના હલાન જંગલમાં આતંકીઓએ સૈન્યના ટેન્ટને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવાર સાંજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સૈન્યના 3 જવાન ઘવાયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર હેઠળ મોડી રાત્રે ત્રણેય જવાને દમ તોડયો હતો. આતંકીઓના હુમલા બાદ આમને સામને અથડામણ થઈ હતી. હુમલા બાદ આતંકીઓ નાસી છૂટવામાં સફળ રહયા હતા. માનવામાં આવે છે કે પીર પંજાલ રેંજમાંથી આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી. એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આતંકીઓએ કેટલાક હથિયારોની લૂટ પણ ચલાવ્યાનું સામે આવ્યું છે.