પૂરતા પરીક્ષણ વિના પુલ ખુલ્લો મૂકી ન શકાય : પાલિકા આયુક્ત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : લોઅર પરેલના ડિલાઈલ બ્રિજના ગેરકાયદે ઉદ્ઘાટન પ્રકરણે એક બાજુ મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો છે ત્યારે બીજી બાજુ આદિત્ય ઠાકરેએ રાજ્યપાલને પત્ર લખીને પાલિકા કેટલાક નેતાઓને ખુશ કરવા અને તેમના હસ્તે બ્રિજનું ઉદ્ઘાટન કરાવવા માગે છે એવો દાવો કર્યો હતો. આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, કેટલાક પ્રધાનોને ખુશ કરવા માટે નાગરિકોની સમસ્યાઓથી સહન કરી રહ્યા છે તે પાલિકાને દેખાઈ રહ્યું નથી. ગણેશ ચતુર્થી વખતે અમે વારંવાર આ બ્રિજને ખુલ્લો મૂકવાની માગણી કર્યા બાદ અડધો બ્રિજ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બીજા તબક્કાને ખુલ્લો મૂકવા માટે પણ રાહ જોવામાં આવી હતી. બ્રિજનું કામ છેલ્લાં 10 દિવસથી પૂર્ણ થયું હોવા છતાં પ્રધાનોને ઉદ્ઘાટન માટે સમય નહીં હોવાથી અમારું ઉદ્ઘાટન આમ તો વાજબી હતું. આપણા શહેર પર નિરર્થક વીઆઈપી કલ્ચર શા માટે થોપવામાં આવી રહ્યું છે? ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયું હોવા છતાં સરકારને તેના ઉદ્ઘાટન માટે હજુ સુધી વીઆઈપી મળ્યા ન હોવાથી આ પ્રોજેક્ટનો લાભ નાગરિકોને મળી રહ્યો નથી. જોકે, પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે, પરીક્ષણ વગર પાલિકાના બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મુકવાની ઉતાવળ કરી શકાય નહીં. રંગકામ પણ બાકી છે. જો બ્રિજ પર ટ્રાફિક ચાલુ હોય તો આ વસ્તુઓ કરી શકાય નહીં. પાલિકા 25 કે 26 નવેમ્બરે સપ્તાહના અંતે બ્રિજને પૂર્ણપણે ખોલાય તેવી શક્યતા છે.