• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

અનામત ઉપર 50 ટકાની મર્યાદા દૂર કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપો  

ઠાકરે જૂથના પ્રતિનિધિમંડળની રાષ્ટ્રપતિને વિનંતી 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : શિવસેના (ઠાકરે)ના નેતા સંજય રાઉતની આગેવાની હેઠળના પક્ષના પ્રતિનિધિમંડળે આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત લઈને વિનંતી કરી હતી કે, સંસદના આગામી શિયાળુ અધિવેશનમાં અનામત બેઠકો ઉપર લાદવામાં આવેલી 50 ટકા મર્યાદાને દૂર કરવાની સૂચના કેન્દ્ર સરકારને આપવામાં આવે.

સંજય રાઉતે બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે રાષ્ટ્રપતિને મહારાષ્ટ્રમાં મરાઠાઓ અને ધનગરી દ્વારા આરક્ષણ માટે ચલાવતાં આંદોલન વિશે જાણકારી આપી હતી. અમે તેમને સર્વાસમાવેશક આરક્ષણ નીતિ ઘડવાની વિનંતી કરી હતી. મહારાષ્ટ્રમાં મરાઠાઓના આંદોલનને કારણે પરિસ્થિતિ ચિંતાજનક છે. મહારાષ્ટ્રની કૅબિનેટમાં ગૅન્ગવોર ચાલે છે. જાહેર મંચ ઉપર પ્રધાનો એકમેકને પડકારે છે. મરાઠાઓને આરક્ષણ આપવા બધા રાજકીય પક્ષો તૈયાર છે, પરંતુ અન્ય જાતિઓને તેની સામે વાંધો છે. તેથી દેશમાં સર્વગ્રાહી નીતિ ઘડી કાઢવા માટે અમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વિનંતી કરી છે. આ બાબત રાજ્યોના વિધાનગૃહોના હાથમાં નથી. આ અંગે કેન્દ્ર સરકાર અને સંસદ નિર્ણય લઈ શકે છે. આરક્ષણ ઉપરથી મહત્તમ 50 ટકાની મર્યાદા હટાવવા માટે સંસદનું ખાસ અધિવેશન યોજવામાં આવવું જોઈએ, એમ રાઉતે ઉમેર્યું હતું.

ઠાકરે જૂથના પ્રતિનિધિમંડળમાં રાઉત, સાંસદ વિનાયક રાઉત, કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અરવિંદ સાવંત તેમ જ વિધાનગૃહોના સભ્યો અંબાદાસ દાનવે, અજય ચૌધરી અને સુનીલ પ્રભુનો સમાવેશ થતો હતો.