અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : અંદાજે 15થી 20 કૉલેજો કે જેમાંની મોટા ભાગની મુંબઈની છે તેના વ્યવસ્થાપકોએ રાજ્યમાં ક્લસ્ટર (સમૂહ) યુનિવર્સિટીઓની રચનામાં રસ દાખવ્યો છે. શહેરની કેટલીક અગ્રગણ્ય કૉલેજો કે જે સ્વતંત્ર રહેવા માગે છે. તેમાં સેન્ટ ઝેવિયર્સ ગ્રુપ, વિલેપાર્લેની એસવીકેએમ હેઠળની કૉલેજો -એનએમ અને મીઠીબાઈ અને રૂઈઆ કૉલેજનો સમાવેશ થાય છે. હાલ આ કૉલેજો મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે.
રાજ્યની કેબિનેટે શુક્રવારે ક્લસ્ટર યુનિવર્સિટીઓની રચના કરવા માટેની માર્ગદર્શિકાઓને મંજૂર કરી હતી. રાજ્ય કેબિનેટની બેઠકની આગેવાની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લીધી હતી.
એક જ જિલ્લામાં પરંપરાગત કે વ્યવસાયી અભ્યાસક્રમો ધરાવતી પાંચમાંની બે કૉલેજો માર્ગદર્શિકામાં કરાયેલા ઉલ્લેખ મુજબ સાથે મળીને સમૂહ (કલસ્ટર) યુનિવર્સિટીની રચના કરી શકે છે.
અગાઉ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ ક્લસ્ટર યુનિવર્સિટી સ્થાપવા 25 કિલોમીટરના પરિઘમાં આવતી કૉલેજોને છૂટ આપવાની યોજના ઘડી હતી.
કેબિનેટે આવી યુનિવર્સિટીઓને ફંડ પૂરું પાડવાના નિર્ણયને પણ મંજૂરી આપી હતી. પ્રથમ પાંચ વર્ષ માટે આવી પ્રત્યેક યુનિવર્સિટીને રૂપિયા એક કરોડની ગ્રાંટ મળશે. મહત્ત્વની વાત એ છે કે, આ સમૂહ વિદ્યાપીઠો સરકારી યુનિવર્સિટીઓ રહેશે અને તેમ વાલી યુનિવર્સિટીઓની જેમ સંચાલન કરાશે અને તે ગવર્નરની હકુમત હેઠળ રહેશે. જેમની પાસે વાઈસ ચાન્સેલરોની નિમણૂક કરવાની સત્તા રહેશે. આ માર્ગદર્શિકાઓના અમલ માટે ટૂંક સમયમાં ગવર્નમેન્ટ રિઝોલ્યુશન (જીઆર) બહાર પાડવામાં આવશે.
રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે, સરકારે નેશનલ ઍજ્યુકેશન પૉલિસી (એનઈપી)મુજબ રાજ્યમાં ક્લસ્ટર વિદ્યાપીઠો સ્થાપવા માટેની માર્ગદર્શિકાઓ ઘડી કાઢવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રવિન્દ્ર કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ક્લસ્ટર યુનિવર્સિટીઓ વિવિધ ક્ષેત્રોનું શિક્ષણ આપવામાં મદદરૂપ થશે.