• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

ત્રણથી ચાર દિવસમાં ડિલાઈલ બ્રિજ ખુલ્લો મુકાય તેવી શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 18: ડિલાઈલ બ્રિજની બીજી લેનનું કામ હવે પૂરું થવા આવ્યું છે. સ્ટ્રીટ લાઈટ્સ, લેન માર્કિંગ અને રંગકામ જેવા નાના મોટા કામ બાકી હોવાથી આગામી ત્રણ ચાર દિવસમાં આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવે એવો આદેશ પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે બ્રિજ વિભાગને આપ્યો હતો. આ બ્રિજ પર બંને લેન શરૂ થશે તો દક્ષિણ મુંબઈમાં પ્રવાસ માટે નાગરિકોને વધુ એક વિકલ્પ મળી રહેશે.

ડિલાઈલ બ્રિજના નિર્માણ માટે રેલવે પરિસરની લગોલગ આવેલા એન. એમ. જોશી રોડ પર અપ અને ડાઉન એમ બંને દિશાના ગર્ડર લૉન્ચિંગનું કામ અૉગસ્ટ મહિનામાં પૂર્ણ થયું હતુ. ત્યારબાદ માસ્ટિક, રૅમ્પ, કૉંક્રિટીકરણ અને સ્ટ્રીટ લાઈટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હજુ નાના મોટા કામ બાકી રહી ગયા હોવાથી વાહનચાલકો માટે આ બ્રિજ આગામી ત્રણથી ચાર દિવસમાં ખુલ્લો મૂકવામાં આવશે, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ડિલાઈલ બ્રિજની એક લેનનું કામ પૂર્ણ થતાં તેને વાહનચાલકો માટે 18મી સપ્ટેમ્બરથી ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. 

બીજી લેનનું કામ પણ પૂર્ણ થયા બાદ આ મહિનાના અંત પહેલા તેને વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.