• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

પાણીના દરમાં આઠ ટકા વધારાનો પ્રસ્તાવ આયુક્તને મોકલાશે  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 18 : પાણીના ભાવમાં વધારો કરીને મહાનગરપાલિકા મુંબઈગરાંના ખિસ્સાં હળવા કરવાની પેરવીમાં છે. કમિશનર આઈ.એ. ચહલનું કહેવું છે કે, 2012ના પાલિકાના નિયમ પ્રમાણે દર વર્ષે પાણીના ભાવમાં વધુમાં વધુ આઠ ટકાનો વધારો થવો જોઈએ. આ ભાવવધારો 16 જૂનથી લાગુ કરવામાં આવે છે. જોકે, પાલિકાએ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી. 

મુંબઈ મહાનરપાલિકાએ વર્ષ 2023-24 માટે વૉટર ચાર્જિસમાં આઠ ટકાનો વધારો કરવાની દરખાસ્ત કરી છે. આ પ્રસ્તાવને મ્યુનિસિપલ કમિશનર ચહલ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. ચહલે જણાવ્યું હતું કે, પાણીના ભાવમાં વધારો કરવાનો પ્રસ્તાવ આવ્યો છે પણ હજી સુધી નિર્ણય લેવાયો નથી. આ અંગે 25મી નવેમ્બર પછીની બેઠકમાં વિચાર કરવામાં આવશે. 

હાલમાં પાલિકા ઘરગથ્થુ વપરાશ માટે દર એક હજાર લિટર પાણી માટે છ રૂપિયા અને વ્યવસાયિક અને ઔદ્યોગિક વપરાશ માટે દર એક હજાર લિટરે 50 રૂપિયા વસૂલે છે. મુંબઈના પૉશ એરિયા ગણાતા રેસકોર્સ, થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટાર હૉટલ પાસેથી હાલમાં એક હજાર લિટર પર રૂા. 101 વસૂલવામાં આવે છે. પાણીનો ભાવ વિવિધ ખર્ચના આધારે વસૂલવામાં આવે છે, જેમ કે પાણીના જોડાણ, વહીવટી ખર્ચ, વીજળી શુલ્ક વગેરે. પાલિકા દર ત્રણ મહિને ઉપભોક્તાને પાણીનું બિલ મોકલે છે. જો ભાવમાં વૃદ્ધિને મંજૂરી મળશે તો હવે પછીના બિલમાં વધારાની રકમ જોડી દેવામાં આવશે. આઠ ટકા વૃદ્ધિના ગણિતને સરળ ભાષામાં સમજીએ તો 25 પૈસાથી છ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. એની સીધી અસર સ્લમ એરિયાથી લઈને રહેવાસી સોસાયટી, ઔદ્યોગિક એકમો, ફાઇવ સ્ટાર હૉટલોને પણ થશે. ભાવવધારાથી પાલિકાની ખાધમાં વર્ષે રૂા. 100 કરોડનો વધારો થવાની અપેક્ષા છે. ગયા વર્ષે પ્રશાસને પાણીના ભાવમાં 7.12 ટકાનો વધારો ઝીંક્યો હતો. 2021માં પાણીના ચાર્જમાં 5.29 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. 

ગત વર્ષે પાલિકાએ તેની મહાત્ત્વાકાંક્ષી યોજના `વૉટર ફૉર અૉલ' નીતિ જાહેર કરી હતી, જેનો ઉદ્દેશ્ય ઝૂંપડપટ્ટી વિસ્તાર અને શહેરના પછાત લોકોને પાણીપુરવઠો પૂરો પાડવાનો હતો. જોકે, પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચાર્જમાં વધારો તમામ ક્ષેત્રમાં લાગુ થશે. ભાવવધારાને પાલિકાની યોજના સાથે સીધો સંબંધ નથી.

મુંબઈનાં સાત જળાશયોમાંથી પાલિકા પ્રતિદિન 3850 એમએલડી પાણીની આપૂર્તિ કરે છે. પાલિકાનું કહેવું છે કે, મુંબઈગરાઓને ઓછા ભાવમાં પાણી વાપરવા મળે છે. પાઇપલાઇન અને જળાશયોના સમારકામ, વીજળી ખર્ચ, પાણીનું શુદ્ધીકરણ વગેરેનો ખર્ચ વધી ગયો છે. ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે એવામાં પાણીના ભાવમાં વધારો મુશ્કેલી ઊભી કરી શકે છે એથી પાલિકાએ ભાવવધારાનો નિયમ હોવા છતાં હજુ સુધી નિર્ણય લીધો નથી.