અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : ટ્રેનોમાં થતી ભીડના વ્યવસ્થાપનના ભાગરૂપે મધ્ય રેલવેએ કર્મચારીઓના કામનો સમય બદલ્યા બાદ મુંબઈમાં સરકારી, અર્ધ સરકારી કાર્યાલય સહિત 350 સંગઠનોને પત્ર મોકલીને કાર્યાલયનો સમય બદલવા અંગેની વિનંતી કરી છે. મધ્ય રેલવેના રૂટ પર દરરોજ 35થી 40 લાખ લોકો પ્રવાસ કરે છે. ધસારાના સમયે ત્રણથી ચાર મિનિટના અંતરે ટ્રેનો દોડાવવામાં આવે છે તેમ છતાં વધતી ભીડને કારણે રેલવે પ્રશાસનનું ભારણ વધે છે. તેથી મધ્ય રેલવેએ કર્મચારીઓના કામના સમયને બે ભાગમાં વિભાજન કર્યું છે અને આ યોજનાનો અમલ અન્ય સંસ્થા અને અૉફિસને કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રજાના દિવસે રવિવારના ટાઈમટેબલ બદલવા અંગે વિચારણા
મધ્ય રેલવે પ્રશાસન દ્વારા જાહેર રજાના દિવસે રવિવારનું ટાઈમટેબલ લાગુ કરવામાં આવતું હોવાથી પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી જાહેર રજાના દિવસે રવિવારનું ટાઈમટેબલ લાગુ કરવા અંગે ફેરવિચાર કરવામાં આવશે એવું આશ્વાસન મધ્ય રેલવેના અધિકારીએ આપ્યું હતું.
ટ્રેનોમાં લાગતી આગની ઘટનાઓને નિયંત્રણમાં લાવવા વિશેષ ઝુંબેશ
ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓનું પ્રમાણ વધવાને લીધે ભારતીય રેલવેએ તેને નિયંત્રણમાં લાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મધ્ય રેલવે દ્વારા 22 નવેમ્બર સુધી જાગરૂકતા ફેલાવવામાં આવશે. 16મી નવેમ્બરે 1098 પ્રવાસી અને રેલવે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. 41 સ્ટેશનો પર સાર્વજનિક ઘોષણા કરીને જાગરૂકતા ફેલાવવામાં આવી રહી હતી ત્યારે 114 ટ્રેનો, 54 સ્ટેશન અને 37 યાર્ડમાં તપાસ કરવામાં આવી હતી.