• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

આંતરજાતીય લગ્નનો નહીં, `લવ જેહાદ'નો વિરોધ : ફડણવીસ  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 3 :  આંતરજાતીય ધર્મના લગ્નથી નહીં પણ મહિલાઓને બહેલાવી-ફૂસલાવીને, ખોટા વચનો આપીને, તેમની ફસણવૂક કરીને ધર્મ પરિવર્તન કરી, પોતાની ઓળખ છૂપાવીને મહિલાઓ સાથે લગ્ન કરનારાં અને આ રીતની લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે. મહારાષ્ટ્ર સરકાર લવ જેહાદ અંગે સતર્ક છે. અમે આ અંગે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. જુદાં જુદાં રાજ્યોમાં કાયદા અંગે સંશોધન ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લવ જેહાદની વધી રહેલી ઘટનાઓ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આંતરજાતીય ધર્મના લગ્નનો અમારો કોઇ વિરોધ નથી, પરંતુ લવ જેહાદનો છે. તે અંગે મહારાષ્ટ્રમાં કાયદો લાવવાની તરફેણ અમે કરી છે અને તે વિચારાધીન છે.

દેવેન્દ્ર ફડણવીસે આજે પુણેમાં મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગૂમ થઇ રહી હોવાની ઘટના અંગે જણાવ્યું હતું કે રાજ્યમાંથી ગૂમ થઇ રહેલી મહિલાઓ અને લવ જેહાદના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર સંવેદનશીલ છે. આંકડાવારી જોઇએ તો 90 ટકા ગૂમ થયેલી મહિલાઓને શોધી કાઢવામાં પ્રશાસન સફળ રહ્યું છે. કેટલાક ઠેકાણે આંકડા 95 ટકા છે. 

મહારાષ્ટ્રમાં બાળ તસ્કરીની ઘટનાઓ વધી રહી છે તે અંગે ફડણવીસે જણાવ્યું હતું કે ગૃહ વિભાગ બાળ તસ્કરી રોકવા અંગે ગંભીર છે. અમે કડક કાર્યવાહીઓ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્ર સરકારે જેટલી બાળ તસ્કરી અંગ કાર્યવાહીઓ કરી છે તેટલી ક્દાચ કોઇ રાજ્યોમાં થઇ નથી. મહારાષ્ટ્રમાં આને રોકવાના શકય તે પ્રયાસ ચાલી રહ્યા છે.