મુંબઈ, તા. 15 : સરકારી અને ખાનગી દૂધ સંઘ મારફત ખરીદી કરાતા ગાયના દૂધના લગભગ રૂા. 34ની કિંમત આપવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો છે. 21મી જુલાઈથી આ કિંમતો દૂધ સંઘોને બંધનકારક કરવામાં આવી છે. આ કિંમતો જો નહીં ચૂકવવામાં આવે તો શું કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગાયના દૂધની કિમંતો નક્કી કરવા માટે દુગ્ધ વ્યવસાય કમિશનરની અધ્યક્ષતા હેઠળ સભ્યોની સમિતિની બેઠક પાર પડી હતી. આ સમિતિએ ભલામણ કરતા 3.5/8.5 ગુણવત્તાના દૂધની કિમંત રૂા. 34 પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં ગાયના દૂધની કિંમતોમાં વાંરવાર થતાં ફેરફારને પગલે પશુસંવર્ધન તથા દુગ્ધવિકાસ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલના નેતૃત્વમાં પુણેમાં હાલમાં જ બેઠક યોજાઈ હતી. જેમાં દૂધની કિંમત રૂા. 35 સુધી આપવાનું નક્કી કરાયું હતું.
આ દર દૂધ સંઘો માટે બંધનકારક કરાયો હતો. તમામ બાબતોનો વિચાર કરીને આ દર નક્કી કરાયો હતો અને દર નક્કી કરવા દૂગ્ધ કમિશનરના નેજા હેઠળ સમિતિ બનાવાઈ હતી. આ સમિતિએ રૂા. 34 પ્રતિ લિટરનો દર નક્કી કર્યો હતો. જેને મંજૂર કરાયો હતો. 21મી જુલાઇથી આ કિંમતો લાગુ કરવાના આદેશ અપાયા હતા.