• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

એમએમઆરસીને આરે-બીકેસી મેટ્રો સેવાઓ માટે 9માંથી પાંચ રેક મળી ગઈ  

મુંબઈ, તા. 24 : 33.5 કિલોમીટર લાંબા ભૂગર્ભ કોરીડોરનો અમલ કરી રહેલા મુંબઈ મેટ્રો રેલવે કૉર્પોરેશન (એમએમઆરસી)ને આરે અને બીકેસી વચ્ચેના પ્રથમ તબક્કાના સંચાલન માટે જરૂરી નવ રેક્સમાંથી પાંચ રેક્સ મળી ગઈ છે. મેટ્રો-3 એક્વાલાઇનનો પ્રથમ તબક્કો ડિસેમ્બર 2023થી શરૂ થઈ જવાની ધારણા છે. એમએમઆરસીએ આંધ્રના શ્રી સિટી ખાતેની પોતાની ફેસિલિટી ખાતે રેક્સનું ઉત્પાદન કરતી અલ્સ્ટોમને 31 કોચ રેક્સની વરદી આપી છે. 

પ્રથમ રેક જુલાઈ 2022માં આવી ગઈ હતી અને 30 અૉગસ્ટ 2022ના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેના ટ્રાયલ રનને લીલી ઝંડી આપી હતી. એમએમઆરસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કા માટે ચાર વધુ રેક્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

એમએમઆરસીની પ્રત્યેક રેક અનઅટેન્ડેન્ડ ટ્રેન અૉપરેશન (યુટીઓ) સિસ્ટમથી સજ્જ હશે, જેનાથી તે આપોઆપ ચાલુ થશે, અટકશે, તેના દરવાજા ખૂલશે અને સ્ટાફ વગર તાકીદની પરિસ્થિતિને પહોંચી વળશે. ટ્રેન પર કંટ્રોલરૂમ દ્વારા નિગરાની રાખવામાં આવશે. શરૂઆતમાં આ ટ્રેનો પાયલટ સાથે દોડશે, પરંતુ થોડા મહિના બાદ ડ્રાઇવર વિના તેને ચલાવવાની મંજૂરી એમએમઆરસી કમિશનર અૉફ મેટ્રો રેલ સેફ્ટી (સીએમઆરએસ) પાસેથી માગશે. રેક્સ માટે 2018માં વરદી આપવામાં આવી હતી અને 2019માં ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું.