ગુજરાતને બદનામ કરવાના પ્રયાસથી ચેતજો : મોદી

ગુજરાતને બદનામ કરવાના પ્રયાસથી ચેતજો : મોદી
વડા પ્રધાનની વલસાડમાં વિશાળ જનસભા અને 11 કિ.મી.નો રોડ શૉ
દેશની વિકાસગાથા સાથે આજે સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર
ગુજરાતી અસ્મિતા ઉપર આક્રમણ
સુરત, તા. 19: વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપનો ઝંઝાવતી પ્રચાર ચાલી રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના ઝુંઝવા ગામમાં રેલીને સંબોધતા વિરોધી પક્ષોના નામ લીધા વિના કહ્યું હતું કે, ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોથી સાવધ રહેવાની જરૂર છે. આ લોકો ગુજરાત અને ગુજરાતની જનતા વિશે બહાર જૂઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે. આવા લોકોને ગુજરાતથી દૂર રાખવાની તાકીદ તેમણે કરી હતી.
વડાપ્રધાન મોદીએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતીથી જીતાડવા મતદારો પાસે વચનો માગ્યા હતા. તેમણે ટાંક્યું હતું કે, એક સમયે માછીમારો માટે રૂ. 8થી 9 કરોડનું બજેટ ફાળવાતું હતું. આજે અમારી સરકારમાં રૂ. 900 કરોડની સાગરખેડૂ યોજના અમલમાં છે. આ યોજનાથી વલસાડ અને આજુબાજુના માછીમારીઓનું જીવનધોરણ સુધર્યું છે. 
તેમણે કોંગ્રેસ પર ડાટા પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં એક જીબી ડાટાના લોકોએ રૂ. 300 ચૂકવવા પડતા હતા આજે લોકોને એક જીબી ડાટા રૂ. 10માં પડે છે. વિકાસ સાધવા માટે ટેકનોલોજી જરૂરી છે. ટેકનોલોજી સસ્તા દરમાં આપી અમે લોકોના જીવનધોરણે સુધાર્યું છે. ભાજપ સરકારે વિકાસની યાત્રામાં લોકોના જીવનને ઉત્કૃષ્ટ બનાવ્યું છે. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી પછી હવે આગામી 25 વર્ષ દેશ અને રાજ્ય બન્ને માટે મહત્ત્વના છે. આ વર્ષોમાં ગુજરાતનો ફાળો અત્યંત મહત્ત્વનો બની રહેશે. યુવા મતદારો કે જેઓ પ્રથમ વખત મત આપવા જવાના છે તેઓના જીવનના આગામી 25 વર્ષ જેટલા મહત્ત્વના છે એટલા જ મહત્ત્વના રાજ્ય અને દેશના છે. આ યુવા મતદારો સમજી વિચારીને પોતાનો મત આપી આવા ગુજરાત વિરોધી તત્ત્વોને બહારનો રસ્તો દેખાડે. 
વડાપ્રધાને ટાંક્યું હતું કે, કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારત અભિયાનને લઇને આગળ વધી છે ત્યારે ગુજરાતની જવાબદારી બેવડી બની જાય છે. દેશને આત્મનિર્ભર બનવું હોય તો ગુજરાતે પણ આત્મનિર્ભર બનવું પડશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer