છત્રપતિ શિવાજી મહારાજ જૂના આદર્શ; ગડકરી મહારાષ્ટ્રના નવા હીરો

છત્રપતિ શિવાજી મહારાજ જૂના આદર્શ; ગડકરી મહારાષ્ટ્રના નવા હીરો
રાજ્યપાલ કોશિયારીનું ફરી વિવાદાસ્પદ નિવેદન
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ આજે શનિવારે ફરી એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેને પગલે રાજકીય ધમસાણની શકયતા છે. એક કાર્યક્રમ દરમિયાન કોશિયારીએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના આદર્શ થઇ ગયા છે. આજે લોકો ઇચ્છે તો મહારાષ્ટ્રમાં તેમને નવા આદર્શ મળી શકે એમ છે. બાબાસાહેબ આંબેડકરથી લઇને નીતિન ગડકરી અને શરદ પવાર નવા આદર્શ હોઇ શકે છે. તેમના નિવેદન બાદ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેએ રાજ્યપાલને મહારાષ્ટ્રની બહાર તગેડી મૂકવાની માગણી કરી હતી.
સંભાજી રાજેએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ માટે તેઓ આવો બકવાસ અને વાહિયાત વાતો કઇ રીતે કરી શકે છે? આવી વાહિયાત વિચારધારા રાખનારાનું મહારાષ્ટ્રમાં કોઇ કામ નથી. તેમને મહારાષ્ટ્રની બહાર તગેડી મૂકવામાં આવે. સંભાજી બ્રિગેડના સંતોષ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યપાલ મહારાષ્ટ્રદ્રોહી છે તે જાણતો હતો, પરંતુ તેઓ શિવાજીદ્રોહી પણ છે તે આજે જાણવા મળ્યું. સંતોષ શિંદેએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ કયારેય જૂના નહીં થાય. તેઓ મહારાષ્ટ્રના દરેક શખસના લોહીમાં વસે છે. રાજ્યપાલ સવારે ઊઠીને બસ મોં ધોઇને બકવાસ કરે છે. આવા વીરનું મોં બંધ કરી દેવું જોઇએ.
ભાજપના નેતા પ્રવીણ દરેકરે પણ રાજ્યપાલને મોં સંભાળીને બોલવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઇ કેટલું પણ મોટું થઇ જાય કે હોય છત્રપતિ શિવાજી મહારાજનું સ્થાન ન લઇ શકે. મહારાષ્ટ્રવાસીઓના તેઓ ભગવાન છે. નીતિન ગડકરી હોય કે શરદ પવાર બંને સારું કામ કરી રહ્યા છે, પરંતુ બંનેના પ્રેરણાત્રોત શિવાજી મહારાજ છે.
રાજ્યપાલ શું કીધું?
ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા વિશ્વ વિદ્યાલયમાં ડિગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યપાલ કોશિયારીએ એનસીપી પ્રમુખ શરદ પવાર અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને ડિલિટની ઉપાધિનું સન્માન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પવાર અને ગડકરીની પ્રશંસા કરતા તેઓ વધારે બોલી પડયા હતા.
રાજ્યપાલે નિવેદનમાં જણાવ્યું હતું કે અમે જ્યારે શાળામાં હતા. ત્યારે અમારા શિક્ષકો અમને અમારા આદર્શ કોણ? પ્રેરણાત્રોત કોણ? એ અંગે સવાલ કરતા હતા ત્યારે વળતા જવાબમાં કોઇ નેતાજી સુભાષચંદ્ર બોઝ બોલતું, કોઇ ગાંધી, કોઇ ભગતસિંહ, કોઇ શિવાજી મહારાજનું નામ લેતું હતું. બધા પોતાની રીતે પોતાની પસંદગીના આદર્શ જણાવતા હતા. પરંતુ હવેના હીરો કોણ? એમ જો પૂછવામાં આવશે તો તમને તે મહારાષ્ટ્રમાં જ મળી રહેશે અને આદર્શ તરીકે નીતિન ગડકરી, શરદ પવારના નામ લેવાશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer