જેલમાં મસાજનો કેજરીવાલ સરકારના પ્રધાનનો વીડિયો વાયરલ, ઈડીને નોટિસ

જેલમાં મસાજનો કેજરીવાલ સરકારના પ્રધાનનો વીડિયો વાયરલ, ઈડીને નોટિસ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.19 : મની લોન્ડ્રિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીની કેજરીવાલ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈન બેરેકમાં મસાજ કરાવતાં હોય તેવો વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોવા મળે છે કે સત્યેન્દ્ર જૈન પોતાના સેલમાં મસાજ કરાવી રહ્યા છે. સ્થળ પર ટીવી અને મિનરલ વોટર પણ દેખાય છે. ભારે વાદ વિવાદ અને આરોપ-પ્રત્યારોપ બાદ સત્યેન્દ્ર જૈને કાયદાકીય કાર્યવાહી કરતાં ઈડી વિરુદ્ધ અવમાનનાનો આરોપ લગાવી કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે ઈડીને શો કોઝ નોટિસ જારી કરી જેલનો વીડિયો લિક કેવી રીતે થયો ? તે પૂછયુ છે.
તિહાર જેલમાં એક અજાણ્યો વ્યક્તિ જૈનના પગ અને શરીર પર માલિશ કરતો જોવા મળે છે. ઈડી (પ્રવર્તમાન નિર્દેશાલય) એ કોર્ટમાં આ અંગે ફરિયાદ કરી સીસીટીવી ફૂટેજ સોંપ્યા હતા. ઈડીએ ગત 30 મે ના રોજ જૈનની ધરપકડ કરી હતી ત્યારથી તેઓ જેલમાં છે. જેલમાં જૈનને ખાસ પ્રકારની સવલતો આપવામાં આવતી હોવાનો આરોપ લાગ્યો છે. જેલમાં જૈન મસાજ કરાવતાં હોય તેવો વીડિયો સામે આવ્યા બાદ ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરી જૈનને તુરંત પ્રધાન પદ પરથી હટાવવાની માગ કરી છે. બીજીતરફ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ પલટવાર કરતાં ભાજપની મનોહર કહાનિયાં ગણાવી બચાવ કર્યો કે સત્યેન્દ્ર જૈન બીમાર છે અને સારવાર કરાવતાં મજાક ઉડાવવામાં આવી રહી છે. 
ભાજપના પ્રવકતા ગૌરવ ભાટિયાએ આરોપ લગાવ્યો કે આપ હવે સ્પા મસાજ પાર્ટી બની ગઈ છે. આમ આદમી પાર્ટી બદનામ પાર્ટી બની છે. કેજરીવાલ આ મામલે ચૂપ છે.સત્યેન્દ્ર જૈનને કટ્ટર ઈમાનદાર હોવાનું સર્ટી કેવી રીતે આપી દેવામાં આવ્યું ?

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer