જાણીતી અભિનેત્રી તબસ્સુમનું હાર્ટઍટેકથી નિધન

જાણીતી અભિનેત્રી તબસ્સુમનું હાર્ટઍટેકથી નિધન
મુંબઈ, તા. 19 : મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી તબસ્સુમનું આજે નિધન થયું હતું. 78 વર્ષની તબસ્સુમને શુક્રવારે રાત્રે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને મુંબઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. 
1947ની ફિલ્મ `મેરા સુહાગ'માં બાળ કલાકાર તરીકે તેમને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ફિલ્મો અને ટીવી શૉમાં લોકપ્રિય બન્યાં હતાં.  
શુક્રવારે તેમને બે વખત હાર્ટએટેક આવ્યો હતો. પહેલો હાર્ટએટેક 8.40 કલાકે અને બીજો 8.42 વાગ્યે આવ્યો હતો. ત્યારબાદ હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં તેમનું નિધન થયું હતું. શનિવારે મુંબઈમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમના પુત્ર હોશાંગ ગોવિલે કહ્યું હતું કે તેમની માતાની ઇચ્છા હતી કે તેમને દફનાવવા પહેલા કોઇને પણ તેમના મૃત્યુના સમાચાર જાહેર ન કરવામાં આવે. 
બાળ કલાકાર તરીકે કામ કરનારી તબસ્સુમની ઓળખ ફક્ત એક અભિનેત્રી તરીકે નહીં, પણ તેમણે એક ટોક શૉના હોસ્ટ તરીકે પણ પોતાની ઓળખ બનાવી હતી. દૂરદર્શન પર દેશમાં ટીવીના પ્રથમ ટોક શૉ `ફૂલ ખિલે ગુલશન ગુલશન'ને હોસ્ટ કરવાનું શ્રેય તબસ્સુમને જાય છે. આ શૉ તેમણે 1972થી લઇને 1993 સુધી હોસ્ટ કર્યું હતું જે દરમિયાન તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારોના ઇન્ટરવ્યુ કર્યા હતા. તેઓ યુટયૂબર પણ હતા જેના દ્વારા તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મી કલાકારોની જાણીતા-નવા કિસ્સાઓ સંભળાવતા હતા. 
તેમણે `હીર રાંઝા', `ગેમ્બલર', `જોની મેરા નામ', `તેરે મેરે સપને', `સૂરસંગ્રામ', `અગ્નિપથ', `નાચે મયુરી' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer