સંસદનું શિયાળુ સત્ર 7થી 29 ડિસેમ્બર સુધી

સંસદનું શિયાળુ સત્ર 7થી 29 ડિસેમ્બર સુધી
ખરડાઓ રજૂ કરશે સરકાર : વિપક્ષ કરશે ચર્ચાની માગ
નવી દિલ્હી, તા.19 : સંસદના શિયાળુ સત્રનો 7 ડિસેમ્બરથી આરંભ થશે અને 29મીએ પૂર્ણ થશે. સત્ર દરમિયાન 23 દિવસમાં કુલ 17 બેઠકો યોજાશે. કેન્દ્રિય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ શિયાળુ સત્રની તારીખ જાહેર કરી હતી. કોંગ્રેસે અગાઉ જાહેર કર્યા મુજબ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો પદયાત્રામાં છે એટલે તેઓ શિયાળુ સત્રમાં સામેલ નહીં થાય. શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર મહત્ત્વના ખરડાઓ પસાર કરાવવાનો પ્રયાસ કરશે તો વિપક્ષી દળો મોંઘવારી, બેરોજગારી, કેન્દ્રિય એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દાઓ ઉઠાવી શકે છે.
શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં યોજાય છે પરંતુ આમ વર્ષે ગુજરાત અને હિમાચલની વિધાનસભા ચૂંટણીને ધ્યાને લેતા તારીખોમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બરે પૂર્ણ થશે. સત્રનો પહેલો દિવસ એ સાંસદોની યાદમાં સ્થગિત કરવામાં આવશે જેમનું તાજેતરમાં નિધન થયું છે. જેમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ સામેલ છે. એવી સંભાવના છે કે સંસદના શિયાળુ સત્રમાં કોવિડ પ્રોટોકોલ લાગુ કરવામાં નહીં આવે. સાથે આ પહેલું સત્ર હશે જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્યભાર સંભાળશે. ચોમાસુ સત્ર 2022 18 જૂલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે 22 દિવસ ચાલ્યું હતું દરમિયાન 16 બેઠકો યોજાઈ હતી.
જોશીએ સંસદના બન્ને ગૃહ શાંતિ તથા સરળતાથી ચાલે તે માટે વિપક્ષી દળોના સહયોગનો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું કે શિયાળુ સત્રમાં ખરડાને લગતા તથા અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સાર્થક ચર્ચા થવાની આશા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer