નારાયણ રાણેના બંગલા નજીક મુંબઈ-ગોવા હાઇવે પર કારમાં મૃતદેહ મળ્યો

નારાયણ રાણેના બંગલા નજીક મુંબઈ-ગોવા હાઇવે પર કારમાં મૃતદેહ મળ્યો
મુંબઈ, તા. 19 : કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનું જ્યાં ફાર્મ હાઉસ છે તેની નજીક મુંબઈ-ગોવા હાઇવે પર એક કારમાં મૃતદેહ મળી આવ્યો હતો. પનવેલ વિસ્તારમાં લાલ રંગની કારમાં મળી આવેલા આ મૃતદેહની ઓળખ સંજય કાર્લે તરીકે કરવામાં આવી છે. આ શખસની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ કાર હાઇવેના કિનારે મળી આવી હતી. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. 
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સંબંધિત વ્યક્તિની હત્યા ગોળી મારીને કરવામાં આવી હતી. મૃતકના શરીર પર છાતીમાં અને પેટમાં ગોળી મારવામાં આવી હતી. છાતી પર ચાર ગોળીના નિશાન જોવા મળ્યા હતા. મૃતક અંગે માહિતી મળી હતી કે તેની સામે પુણેમાં ઘણા કેસમાં ગુનાઓ દાખલ છે. 
આ ઘટના શુક્રવારે પ્રકાશમાં આવી હતી. કહેવાઇ રહ્યું છે કે બે દિવસથી આ કાર હાઇવેના કિનારે ઊભી હતી. કાર લોક હોવાને કારણે બહુ જહેમતે તેના દરવાજા ખોલવામાં આવ્યા અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. 
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ-ગોવા હાઇવે પર પનવેલના તારા નામના ગામ પાસે બે દિવસથી લાલ રંગની ઓડી કાર ઊભી હતી. આ કારમાં મૃતદેહ હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો કાર અંદરથી લોક હતી જેને ખોલવા માટે મેકેનિકને બોલાવવામાં આવ્યો હતો. 
કારની પાછળી સીટ પર મળેલા મૃતકની ઓળખ પુણેના એક ગુંડા સંજય કાર્લે તરીકે થઇ છે. આ કાર પુણે જિલ્લાના તેજસ પ્રકાશ સાળવેના નામ પર રજિસ્ટર્ડ છે. મૃતકે ટીશર્ટ અને જીન્સ પહેરી હતી. પગમાં સ્પોર્ટસ શૂઝ હતા. પોલીસ વધુ તપાસ કરી રહી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer