સેસ્ડ મ્હાડાની ઇમારતોનો પુનર્વિકાસ થશે, વધુ એફએસઆઈ મળશે

સેસ્ડ મ્હાડાની ઇમારતોનો પુનર્વિકાસ થશે, વધુ એફએસઆઈ મળશે
મુંબઈ, તા. 19 : મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સેસ્ડ મ્હાડા ઇમારતોના રિડેવલપમેન્ટ માટે વધુ ફાયદાઓ કરી આપવાનું શહેરી વિકાસ વિભાગને જણાવ્યું હતું. 1980 અને 1990ના દાયકામાં મુંબઈ રિપેર ઍન્ડ કન્સ્ટ્રક્શન બોર્ડના રિપેર ફંડથી આવી જૂની અને જર્જરિત બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. શહેરમાં હાલ આવી 338 બિલ્ડિંગો છે. આ ઇમારતો ફરીથી જર્જરિત થઈ ગઈ છે અને તેમના પુનર્વિકાસ માટેનો કોઈ કાયદો નથી. ગયા વર્ષે આ ઇમારતોના પુનર્વિકાસ માટે રાજ્ય સરકાર ડીસીપીઆરમાં 33(24) નામના પ્રકરણને ઉમેરવા માગતી હતી. ભાજપના મ્હાડા સેલનું એક પ્રતિનિધિમંડળ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે શિંદેને મળ્યું હતું અને આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી હતી.
દરમિયાન, સીએમએ કાયદામાં સુધારો કરાયા બાદ દક્ષિણ મુંબઈમાં મ્હાડાની જૂની ઇમારતોના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો થયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મ્હાડાએ છેલ્લા કેટલાક વર્ષોમાં 14 હજારથી વધુ ઇમારતોનું પુન:નિર્માણ કર્યું છે, પરંતુ દક્ષિણ મુંબઇમાં 388 ઇમારતોનું થયું નથી. તેથી સીઆરએની કલમ 33 (24)માં સુધારો કરીને 33 (7)ના તમામ લાભ લાગુ કરીને દક્ષિણ મુંબઈની જૂની અને જર્જરિત, અતિ જોખમી જાહેર થયેલી ઇમારતોના પુન:નિર્માણ કરાશે. મ્હાડા સેલ સાથે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું શિંદેએ જણાવ્યું હતું.  `મ્હાડાની સેસ્ડ બિલ્ડિંગો સાથે સંબંધિત ડીસીપીઆરના સેક્શન 33(7) હેઠળ અન્ય જોગવાઈમાં સમાંતર એફએસઆઈ વધારવા માટેના પ્રોત્સાહન આપવા અમે માગણી કરી હતી' એમ ભાજપના મ્હાડા સેલના વડા મિલિંદ તુસલરે જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer