મહેરોલી મર્ડર કેસ : દિલ્હી પોલીસે શ્રદ્ધાને મદદ કરનારા બે જણનાં નિવેદનો નોંધ્યાં

મહેરોલી મર્ડર કેસ : દિલ્હી પોલીસે શ્રદ્ધાને મદદ કરનારા બે જણનાં નિવેદનો નોંધ્યાં
મુંબઈ, તા. 19 (પીટીઆઇ) : દિલ્હી પોલીસની ટીમે શનિવારે પાલઘરમાં બે જણના નિવેદનો નોંધ્યા હતા, જેમણે 27 વર્ષની શ્રધ્ધા વાલકરની મારપીટ થયા બાદ તેમની મદદ માગી હતી. આ વર્ષે મે મહિનામાં શ્રધ્ધાના લીવ ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ નિર્મમ હત્યા કરી નાખી હતી. પોલીસ ટીમ હાલ વસઇના માણિકપુરમાં છે. અહીં નવી દિલ્હી આવતા પહેલા બંને જણ રોકાયા હતા. 
અધિકારીએ બંને સાક્ષીઓની ઓળખ કરી છે. રાહુલ રે અને ગોડવિન એમ બે જણે નિવેદનો નોંધાવ્યા છે. બંને વસઇમાં રહે છે. પોલીસ અધિકારી અનુસાર વસઇ નજીક પૂનાવાલા દ્વારા વર્ષ 2020માં મારપીટ થયા બાદ વાલકરે બંને પાસે મદદ માગી હતી અને બંનેએ મદદ કરી હતી. જેમાંનો એક રિક્ષાચાલક તો અન્ય એક બેરોજગાર છે. શુક્રવારે મુંબઈ પહોંચેલી દિલ્હી પોલીસની ચાર સભ્યોની ટીમે શ્રધ્ધાના મિત્ર લક્ષ્મણ નાદરનું નિવેદન નોંધ્યું હતું. 
પોલીસ અનુસાર આફતાબે 18મી મેએ શ્રદ્ધાનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ શરીરના ટુકડા તેણે મહેરોલીમાંના પોતના ઘરમાં ત્રણ સપ્તાહ સુધી ફ્રીજમાં રાખીને ત્યારબાદ એક એક ટુકડાને શહેરભરમાં  અને જંગલમાં જુદે જુદે ઠેકાણે ફેંકી દીધા હતા. દિલ્હી પોલીસે આ હત્યા કેસમાં સાક્ષીઓની શોધ શરૂ કરીને શુક્રવારે મહારાષ્ટ્ર, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ટીમ મોકલી હતી અને અધિકારીઓએ ગુરુગ્રામમાંથી શરીરના કેટલાક ટુકડા જપ્ત કર્યાં હતાં. 
દિવાળી દરમિયાન મીરા રોડ શિફટ થયો આફતાબનો પરિવાર
મુંબઈની બહાર રહેણાંક સોસાયટીના રહેવાસીઓ સ્તબ્ધ થઇ ગયા હતા કે ગયા મહિને તેમની ઇમારતમાં રહેવા આવેલો પરિવારમાંના એક સભ્યએ પોતાની લીવ ઇન પાર્ટનરની હત્યા કરી તેના ટુકડા કર્યા બાદ ધરપકડ થઇ છે. 
ઇમારતના રહેવાસીએ જણાવ્યું હતું કે તેમણે આફતાબ પૂનાવાલા (28)ને કયારેય જોયો નથી. કારણ કે પૂનાવાલા પરિવાર વસઇથી મીરા રોડની સોસાયટીમાં શિફટ થઇ ગયો છે. એક અન્ય રહેવાસીએ જણાવ્યું હતું કે અમને આશ્ચર્ય થઇ રહ્યું છે કે આફતાબે કઇ રીતે હત્યા કરી હશે? ત્યારબાદ તેના શરીરના ટુકડા ફ્રીજમાં રાખ્યા હતા અને મહેરોલીના જંગલમાં ફેંકી પણ દીધા હતા. દિવાળીની આસપાસ ઇમારતના 11મા માળે ટુ બીએચકે ફલેટમાં પરિવાર શિફટ થયો હતો, પરંતુ ગત સપ્તાહથી ફલેટ ઉપર તાળું છે. ઇમારતમાં આવ્યા બાદ તેનો પરિવાર ફરવા ગયો હતો, પરંતુ ગુનાની જાણકારી મળતા તેઓ પાછા ફર્યા હતા. ત્યારબાદ અમે આફતાબની માતાને બેવાર જ જોયા છે. અમીનભાઇ, મુનીરા અને તેમનો બીજો પુત્ર ખૂબ ડિમલનસાર સ્વભાવના હતા, પરંતુ એક સપ્તાહથી તેઓ જોવા મળ્યા નથી. હાઉસિંગ સોસાયટીમાં કોઇએ આફતાબને કયારેય જોયો નથી. આફતાબની ખબર આવતા જ પૂનાવાલા પરિવાર માનસિક તાણમાં હતો અને હવે તેઓ કયાં છે કોઇને જાણકારી નથી. 
ઇમારતના વોચમેને જણાવ્યું હતું કે આ મોટી હાઉસિંગ સોસાયટી હોવાથી તે કોઇને જાણતો કે ઓળખતો નથી. પૂનાવાલા પરિવારની પણ તેને કોઇ જાણકારી નથી. મીરા રોડમાં પૂનાવાલા પરિવારની કોઇ માહિતી મળી નથી. તેઓ અજ્ઞાત સ્થળે હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમની શોધ ચાલી રહી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer